મુખ્યમંત્રીએ રાજકોટમાં 565.63 કરોડના વિકાસકામનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત, કહ્યું-હજુ તો રાજકોટને ઘણું આપવાનું છે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ મહાપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના 565.63 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બુધવારે કર્યું હતું. કટારિયા ચોકડી પાસે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ રાજકોટવાસીઓને કહ્યું હતું કે કોઈ કામ બાકી હોય તો કહો કેમ કે હજુ તો રાજકોટને ઘણું બધું આપવાનું છે. આ સાંભળી સૌએ આ વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે એક સમય હતો કે જ્યારે મહાપાલિકા તંત્રમાં એક લાખનું કામ કરાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડતો હતો. જો કે હવે આ સમય બદલાઈ ગયો છે અને લોકો પોતાના વિસ્તારના વિકાસકાર્યને લઈને કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદો કે મંત્રીઓ પાસે જઈને એમ જ કહે છે કે આ તો ફક્ત એક કરોડનું જ કામ છે ! આ એક લાખથી એક કરોડ સુધીનો ફેરફાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ અંગેની દુરંદેશીને કારણે જ થવા પામ્યો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સામાન્ય માણસનું ધ્યાન રાખવું એ જ અમારી જવાબદારી છે. લોકોને આવાસ, આરોગ્ય અને આહાર મળે તેવો વિકાસ કરવાની નેમ સાથે અમે કાર્યરત છીએ. સરકાર રાજકોટની સુખાકારીમાં વધારો કરવા માટે કોઈ કચાશ રાખશે નહીં. બજેટને કારણે શહેરનું એક પણ કાર્ય અટકવા દેશું નહીં. ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાઈ હતી ત્યારે 2025ને પણ શહેરી વિકાસ વર્ષ તરીકે આપણે ઉજવશું. આ મુદ્દાને ધ્યાનમાં રાખી સરકારે શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40%નો વધારો કરી બજેટનું કદ 30 હજાર 325 કરોડનું કર્યું છે.
આ સાથે જ સરકાર દ્વારા રિજિયોનલ ઈકોનોમી ઝોન શરૂ કરીને તેના માટે પાંચ હજાર કરોડની વ્યવસ્થા કરી છે. આ ઝોનમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય ટૂંક સમયમાં શહેરને ડેવલપ કરવાનું શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના હસ્તે કટારિયા ચોકડીએ નિર્માણ પામનાર આઈકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો મવડીમાં નિર્માણ પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ કરાયું હતું. આ સિવાય અન્ય કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પૂર્વ પ્રમુખોને કહ્યું, ક્યાં ખોવાઈ ગયા છો ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનની શરૂઆત કરી ત્યારે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું નામ લીધું હતું. જેવું તેમણે શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને મુકેશ દોશીનું નામ લીધું ત્યારે બન્ને સામે જ બેઠા હોય તેમને પૂછી લીધું હતું કે ક્યાં ખોવાઈ ગયા છો ? આ સાંભળી ઉપસ્થિત સૌ હસી પડ્યા હતા સાથે સાથે મુખ્યમંત્રીના આ વાક્યના અનેક તર્ક પણ કાઢવા લાગ્યા હતા.