વડાપ્રધાનની સૂચના મુજબ ગૃહ મંત્રાલય હરકતમાં, સાયબર અપરાધ રોકવા પ્રયાસ, રાજ્યોને પત્ર દ્વારા જાણ કરાઇ
દેશમાં ઝડપથી સાયબર અપરાધ વધી રહ્યો છે ત્યારે તેને લગામ નાખવા માટે હવે સાયબર સેનાની રચના કરવામાં આવશે અને તેના માટે ગૃહ મંત્રાલય હરકતમાં આવી ગયું છે. વડાપ્રધાનની સૂચના મુજબ ગૃહ મંત્રાલય દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરી દેવાઈ છે.
કેન્દ્ર દ્વારા સાયબર કમાન્ડોની વિંગ સ્થાપિત કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ સાથે કેન્દ્રીય પોલીસ સંગઠનોના જવાનોને લેવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને પત્ર પાઠવીને યોગ્ય 10 સાયબાર કમાન્ડોની પસંદગી કરવાની સૂચના અપાઈ છે.
વડા પ્રધાન મોદીએ આ પ્રકારે સાયબર વીંગની સ્થાપના કરવાની સલાહ આપી હતી અને તેનો અમલ કરવાની દિશામાં કામ શરૂ થયું છે. રાજ્યોને લખાયેલા પત્રમાં એમ જણાવાયું છે કે નવી ખાસ સાયબર વિંગ સાયબર અપરાધોને રોકવાનું કામ કરશે. ઈન્ફર્મેશન એંડ ટેક્નોલોજીની રક્ષા કરશે.
વીંગના કમાન્ડો બધા જ આઇટી અને ડિજિટલ ફોરેન્સિકના જાણકાર હશે. આવા હોશિયાર લોકો બધા જ રાજ્યોએ પૂરા પાડવા પડશે. સાયબર વિંગ વાસ્તવમાં પોલીસ સંગઠનનો જ એક ભાગ ગણાશે.