ગાડી આઠ આઠ ગલોઠિયાં ખાઈ ગઈ તો’ય કોઈને એક ઉઝરડો પણ ન પડ્યો
રાજસ્થાનના હાઇવે પર વિચિત્ર અકસ્માત
શાંતિથી બહાર આવીને ચા ની માંગણી કરી
રાજસ્થાનના નાગૌર – બિકાનેર હાઇવે પર એક એસયુવીકારને થયેલા અકસ્માતમાં તેમાં બેઠેલા પાંચ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો.ગંભીર પ્રકારનો અકસ્માત હોવા છતાં કોઈને એક ઉઝરડો પણ નહોતો પડ્યો.
પ્રાપ્ત વિગત મુજબ નાગૌર નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એ ગાડીના ચાલકે કાબૂ ગુમાવતા કાર દળાની જેમ ફંગોળાઈ અને આઠ ગલોઠિયા ખાઈ ગઈ હતી.અથડાતી કુટાતી એ ગાડી હાઇવે પર આવેલા એક શો રૂમના દરવાજા સાથે ધડાકાભેર અથડાઈ હતી.ગાડી એટલી સ્પીડ માં હતી કે શો રૂમનો દરવાજો તૂટી ગયો હતો.અકસ્માતનો અવાજ સાંભળતાં જ શો રૂમના કર્મચારીઓ દોડ્યા હતા. ગાડીની હાલત જોતા અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજા થઈ હશે તેવું કર્મચારીઓએ માન્યું હતું .જો કે તેમના આશ્ચર્ય વચ્ચે ઉંધે માથે પડેલી ગાડીમાંથી તમામ પાંચ યુવાનો કાંઈ બન્યું જ ન હોય તેમ એકદમ શાંતિથી બહાર આવ્યા હતા અને પછી શો રૂમમાં જઈને ચા ની માંગણી કરી હતી.શો રૂમના કર્મચારીએ કહ્યું કે આ ચમત્કાર જ હતો. આવો ગંભીર અકસ્માત થાય અને કોઈને ઊઝરડો પણ ન પડે તેને ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય? તેવો સવાલ તેમણે કર્યો હતો.આ આખો અકસ્માત સીસી ટીવી કેમેરામાં કેદ થયા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપભેર વાયરલ થઈ ગયો હતો.