બજેટ સત્ર વહેલુ આટોપી લેવાયુ
જ્યા બચ્ચન અને ધનખડ વચ્ચે ઉગ્ર ટપાટપી બાદ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા વિપક્ષની વિચારણા
વિરોધ પક્ષ સામે નિંદા પ્રસ્તાવ લાવવાની જાહેરાત જે.પી. નડાએ કરી
નવી દિલ્હીસંસદનું ચોમાસુ સત્ર ભારે ધમાલ અને હંગામાથી છવાયેલું રહ્યુ છે. આ દિવસો દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે શાબ્દિક યુધ્ધ સાંભળવા મળ્યું છે અને તેમા પણ શુક્રવારે તો વાત વધુ બગડી હતી. એક તરફ સત્તા પક્ષે વિરોધ પક્ષ સામે નિંદા પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી દીધી હતી તો બીજી તરફ વિરોધ પક્ષે સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જાહેરાત કરી દીધી હતી અને એ પૂર્વે ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યો હતો. જોકે સંસદનાં બંને ગૃહો આ ધમાલને કારણે વહેલા આટોપી લેવાયા હતા. સંસદનું આ બજેટ સત્ર સોમવારે પૂરું થવાનું હતું પરંતુ શુક્રવારે જ સમાપ્ત કરી દેવાયુ હતું.
આજે ગૃહમાં જ્યા બચ્ચન અને સભાપતિ જગદીપ ધનખડ વચ્ચે જે ઉગ્ર ટપાટપી થઇ તેને કમનસીબ ગણાવી કેન્દ્રીયમંત્રી જે.પી. નડાએ વિપક્ષની ટીકા કરી હતી અને વિપક્ષ સામે નિંદા પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે 14 દિવસોની નોટિસ આપવી પડે છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સાંસદોના હસ્તાક્ષર કરાવવામાં આવ્યા છે અને હવે સંસદના શિયાળુ સત્રમાં આ દરખાસ્ત લાવવામાં આવશે.
રાજ્યસભામાં શુક્રવારે કાર્યવાહી દરમ્યાન સભાપતિ જગદીપ ધનખડે સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચન પર ભડકી ગયા હતા. તેમણે જયા બચ્ચન પર ટિપ્પણી કરી હતી કે આ પ્રકારના નિવેદનને તેઓ બિલકુલ સાંખી નહીં લે. આ પૂર્વે સંસદની કાર્યવાહી દરમ્યાન જયા બચ્ચને સભાપતિ ધનખડેના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો ટોન ઠીક નથી. તેમણે કહ્યું હતું કે હું એક કલાકાર છું. બોડી લેંગવેજ સમજું છું. એક્સપ્રેશન સમજું છું. સર, મને માફ કરજો, પણ તમારો ટોન ઠીક નથી, એ સ્વીકાર્ય નથી. આપણ સહ કર્મચારી છીએ. ભલે, તમે સભાપતિની ખુરશી પર બેઠા છો. જયા બચ્ચનની આ ટિપ્પણી પર ધનખડે ભડકી ગયા હતા. જેથી જયા બચ્ચને માફીની માગ કરી હતી.
જયા બચ્ચન પર સભાપતિ ધનખડના ભડકવા પર વિરોધ પક્ષોના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષના સાંસદોએ કહ્યું હતું કે તેઓ (જયા બચ્ચન) સંસદનાં સિનિયર સભ્ય છે. તમે તેમને સેલિબ્રિટી કેવી રીતે કહી શકો છો. એ દરમ્યાન વિપક્ષના સાંસદોએ દાદાગીરી નહીં ચાલે જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને સંસદમાંથી વોકઆઉટ પણ કર્યો હતો.
ગૃહની બહાર જ્યા બચ્ચને શું કહ્યુ..
ગૃહમાંથી બહાર આવ્યા બાદ જયા બચ્ચને મીડિયાને કહ્યું કે, મેં સ્પીકરના ટોન સામે વાંધો ઉઠાવ્યો હતો. અમે શાળાએ જતા બાળકો નથી. આપણામાંથી કેટલાક વરિષ્ઠ નાગરિકો છે. હું તેમના ભાષણના સૂરથી પરેશાન થઈ ગઈ હતી અને ખાસ કરીને જ્યારે વિપક્ષના નેતા બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે માઈક બંધ કરી દીધું હતું. તમે આ કેવી રીતે કરી શકો છો? તમારે વિપક્ષના નેતાને બોલવા દેવા જોઈએ.