GST ઘટાડાનો સૌથી વધુ લાભ વાહનો ઉપર : વીમો બિલ્લી પગે મોંઘો થઇ ગયો, જાણો ટેક્સ ઘટાડાનો કોને થયો ફાયદો?
લગભગ 90 ટકા વસ્તુઓ અને સેવાઓ ઉપરનો જી.એસ.ટી.દર ઘટાડ્યાના દોઢ મહિના પછી પણ હજુ અનેક ગ્રાહકો તેને પૂરો ફાયદો થાય તેની રાહ જોવે છે. એકસર્વે અનુસાર, દુકાનોમાં મળી રહેલી વસ્તુઓની િંકમત અને બીલમાં પૂરો ફાયદો જોવા મળતો નથી. માત્ર કેટલીક કેટેગરીમાં જ ગ્રાહકોને ફાયદો થયો છે. સૌથી વધુ ફાયદો વાહનો ખરીદનારને થયો છે અને તેનાથી ઉલટું જીવન અને આરોગ્ય વીમો પાછલા બારણે મોંઘો થઇ ગયો છે. સરકારે વીમો ઉપરના 18 ટકાનો દર ઘટાડીને શૂન્ય કરી નાખ્યો હોવા છતાં વીમાનું પ્રીમીયમ 10 થી 37 ટકા મોંઘુ થઇ ગયું છે.
સરકારે 22 સપ્ટેમ્બરથી આરોગ્ય વીમાના પ્રીમીયમ ઉપર લાગુ 18 ટકા જી.એસ.ટી.સમાપ્ત કરી નાખ્યો હતો આમ છતાં મોટાભાગની વીમા કંપનીઓએ પોતાના પ્રીમીયમમાં મોટો વધારો કરી નાખ્યો છે. વાહન અને આરોગ્ય વીમામાં સૌથી વધુ વધારો નોંધાયો છે.
વીમા ક્ષેત્રના જાણકારોના માનવા પ્રમાણે મોટાભાગની કંપનીઓ પોલીસીમાં નવા રાઈડર ( સુવિધા અને કવરેજ) જોડીને પ્રીમીયમ વધારી રહી છે અને આ ફેરફાર પોલીસીધારકોની મંજુરી વગર પણ કરવામાં આવી રહ્યો છે.
લોકલ સર્કલ્સનાં સર્વે અનુસાર, કેટલાક મામલામાં પહેલાથી કવરેજ છે તેમાં નવું ફીચર બતાવીને અલગથી પૈસા વસુલવામાં આવે છે. આમ જી.એસ.ટી. નાબુદ થઇ ગયા પછી પણ ગ્રાહકો ઉપર વીમા પ્રીમીયમનું દબાણ વધી ગયું છે.
વીમાની માંગ વધી
આરોગ્ય અને જીવન વીમા ઉપરનો જીએસટી શૂન્ય થઇ ગયા બાદ આરોગ્ય વિમાની માંગ 38 ટકા વધી છે એક અહેવાલ પ્રમાણે આરોગ્ય વીમાનું કવર સરેરાશ 13 લાખ રૂપિયાથી વધીને 18 લાખ રૂપિયા થઇ ગયું છે.
આ રહ્યા ઉદાહરણ
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે,ગત વરસે ટાટા એઆઇજીની જે પોલીસીમાં પ્રીમીયમ 30,107 રૂપિયા હતું તેમાં 18 ટકા જીએસટી એટલે કે 4592 રૂપિયા સામેલ હતા. સરકારે જી.એસ.ટી. શૂન્ય કરી નખ્યો છે તો પ્રીમીયમ 25,515 રૂપિયા થઇ જવું જોઈએ પરંતુ તેને બદલે કંપની અત્યારે 34, 899 રૂપિયા પ્રીમીયમ માગી રહી છે. નિવા બુપા એ ગત વરસે 7.50 લાખ રૂપિયાના કવરેજવાળી આરોગ્ય પોલીસી 16,731 રૂપિયામાં આપી હતી. જેમાં 2552 રૂપિયા જીએસટી સામેલ હતો. હવે જીએસટી દુર થઇ ગયો છે તો પ્રીમીયમ 14,178 રૂપિયા થવું જોઈએ..પરંતુ કંપનીએ પ્રીમીયમ વધારીને 17,155 રૂપિયા કરી નાખ્યુ છે. આમ આ સિવાય અન્ય કંપનીઓએ પણ પોતાનું પ્રીમીયમ વધારી દીધુ છે. આ અંગે કંપનીએ એવી દલીલ કરી છે કે, મોંઘી સારવાર, માર્કેટની પ્રવૃત્તિ અને દાવામાં થઇ રહેલા વધારાને લીધે પ્રીમીયમ વધારવું પડ્યું છે. જે વધારો કર્યો છે તે ઈરડાની માર્ગદર્શિકાના આધારે કર્યો છે.
ટેક્સ ઘટાડાનો કોને ફાયદો થયો
દવા : 21 ટકા લોકોને પૂરો, 30 ટકા લોકોને કેટલોક અને 49 ટકા લોકોને જરા પણ ફાયદો થયો નથી.
ઈલેક્ટ્રોનિક આઈટમઃ 33 ટકા લોકોને પૂરો, 33 ટકા લોકોને કેટલોક અને 33 ટકા લોકોને કોઈ લાભ થયો નથી. 1 ટકા લોકોએ ઉત્તર આપ્યો નથી.
પેકેજ્ડ ફૂડ : 13 ટકા લોકોને પુરતો ફાયદો, 33 ટકા લોકોને કેટલોક અને 33 ટકા લોકોને કોઈ ફાયદો નહી. 13 ટકા લોકોએ કોઈ જવાબ આપ્યો નથી.
વાહન ખરીદી : 47 ટકા લોકોને પૂરો ફાયદો, 34 ટકા લોકોને કેટલોક ફાયદો, 14 ટકા લોકોને જરા પણ ફાયદો નથી અને 05 ટકા લોકોએ જવાબ આપ્યો નથી.
