આતંકીઓ નહીં સુધરે! લોંચ પેડ પર પાછા ફરી રહ્યા છે, ઘુસણખોરીના પ્રયાસના ઈનપુટથી સેના સતર્ક
ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનનાં દાંત ખાટા કરી નાખનાર ભારતીય સેના કાયમ સતર્ક જ રહે છે તેમ જણાવી BSFના જમ્મુ ખાતેના IGએ કહ્યું છે કે, અમને આતંકવાદીઓ તેમના લોન્ચપેડ અને કેમ્પમાં પાછા ફરવા અને LOCઅને આંતર રાષ્ટ્રીય બોર્ડર પર સંભવિત ઘૂસણખોરી વિશે અનેક ઇનપુટ મળી રહ્યા છે. તેથી સુરક્ષા દળોએ સતર્ક રહેવું પડશે.
ઓપરેશન સિંદૂર બાદ આજે BSF દ્વારા પ્રથમ વાર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બીએસએફના IG જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે,ઓપરેશન સિંદુર હજુ ચાલુ જ છે કારણ કે આપણે પાકિસ્તાન ઉપર ભરોસો કરી શકીએ તેમ નથી.
ઓપરેશન સિંદૂર દરમિયાન BSFની મહિલા કર્મચારીઓએ ફોરવર્ડ ડ્યુટી પોસ્ટ્સ પર લડાઈ લડી હતી. અમારી બહાદુર મહિલા કર્મચારીઓ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ ફોરવર્ડ પોસ્ટનું નેતૃત્વ કર્યું હતું.કોન્સ્ટેબલ મનજીત કૌર, કોન્સ્ટેબલ મલકિત કૌર, કોન્સ્ટેબલ જ્યોતિ, કોન્સ્ટેબલ સંપા અને કોન્સ્ટેબલ સ્વપ્ના અને અન્યોએ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સામે ફોરવર્ડ પોસ્ટ્સ પર લડાઈ લડી હતી.
તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા BSF ચોકીઓ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા અને ગોળીબારમાં અમે BSF સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનીલ કુમારને ગુમાવ્યા છે. અમે અમારી બે પોસ્ટનું નામ અમારા શહીદ થયેલા કર્મચારીઓના નામ પર અને એક પોસ્ટનું નામ ‘સિંદૂર’ રાખવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સ પર BSFની કાર્યવાહી અંગે, BSFના DIG આરએસપુરા સેક્ટર ચિત્રા પાલે કહ્યું, 9 મેના રોજ પાકિસ્તાને અમારી ઘણી પોસ્ટને નિશાન બનાવી. પહેલા તેઓએ ફ્લેટ ટ્રેજેક્ટરી હથિયારો અને મોર્ટારથી અમારી ચોકીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેઓએ અમારા એક ગામ, અબ્દુલિયાનને પણ નિશાન બનાવ્યું. ત્યારે BSF જવાનોએ તેમને યોગ્ય જવાબ આપ્યો. જ્યારે તેમણે ગોળીબાર ઓછો કર્યો અને ડ્રોન પ્રવૃત્તિ વધારી. ત્યારે જવાબમાં BSF એ મસ્તપુર ખાતે પાકિસ્તાની આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવીને તેનો નાશ કર્યો.