કરાટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામા દસ વર્ષના તેજ મહેતાએ બે ચંદ્રક મેળવ્યા
રાજકોટની જીનીયસ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 10 વર્ષની વયના વિદ્યાર્થી તેજ મહેતાએ વડોદરા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપની બે ઇવેન્ટમાં બીજો અને ત્રીજો ક્રમ મેળવી તેની શાળા અને રાજકોટનું ગૌરવ વધાર્યું હતું.
વાડોકાઈ એસોસિએશન દ્વારા વડોદરા ના ઇન્દોર સ્ટેડિયમમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેજ મહેતાએ એક પછી એક રાઉન્ડમાં પોતાના હરીફને મહાત કરીને કુમીટે ફાઈટમાં દ્વિતીય ક્રમ મેળવી અને સિલ્વર મેડલ અને કાટા માર્શલ આર્ટમાં તૃતીય નંબર મેળવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. નોંધનીય છે કે આ સ્પર્ધામાં ભારતના તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા,જાપાન,નેપાલ, ભૂતાન, ઉઝબેકિસ્તાન વગેરે દેશોના મળી કુલ 820 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ માર્શલ આર્ટની ટ્રેનિંગ મેળવનાર અને શિસ્ત ભરી પ્રેક્ટિસ કરનાર આ ભૂલકાએ અત્યાર સુધીમાં અનેક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.વર્ષ 2023 માં ભાવનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તેણે કુમિટે ફાઈટમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. ચાલુ વર્ષે સુરતમાં યોજાયેલી સ્ટેટ કોમ્પિટિશનમાં પણ તેણે કુમીટે ફાઈટમાં ત્રીજો અને અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં કુમિટે અને કાટા બન્નેમાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ઝળહળથી સિદ્ધિ બદલ તેજ અને તેના માતા મેઘાબેન તથા પિતા કેયુરભાઈ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.