‘ટીસ’નાં પીએચડીના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી દેવાનોઆદેશ
તાતા એ 1936માં સ્થાપેલી મુંબઈની પ્રખ્યાત શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓની હાલત કફોડી
મુંબઈની પ્રખ્યાત તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીસ)ના પીએચ ડી ના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી દેવાનો સંચાલકોએ આદેશ કરતા એ વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાઇ ગયા છે.
1936 માં તાતા ગૃપે સ્થાપેલી આ જાહેર યુનિવર્સિટી સરકારી ફંડથી ચાલે છે અને દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં તેનો સમાવેશ થાય છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીના સંચાલનમાં સરકારી હિસ્સો અને હસ્તક્ષેપ વધ્યા બાદ આ સંસ્થામાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થવા લાગી છે. આ અગાઉ મોટી સંખ્યામાં પ્રોફેસરોને છુટા કરવાની નોટિસ આપવામાં આવી હતી પણ ત્યારે તાતા જૂથે પોતાના ભંડોળમાંથી પગાર ચૂકવવાની તૈયારી દાખવી એ બધાની નોકરી બચાવી લીધી હતી.
હવે સંચાલકોએ પીએચડી ના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ કર્યો છે. એ અંગેની નોટિસમાં પીએચડીનો કોર્સ પાંચ વર્ષનો હોવાનું અને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
જોકે વિદ્યાર્થીઓના કહેવા મુજબ કોવિડ સમયે અઢી વર્ષ સુધી આખી હોસ્ટેલ ખાલી કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ત્રણ વર્ષ સુધી જ રહ્યા છે. કોરોનાને કારણે પીએચડીનો અભ્યાસ પણ ખોરંભે પડ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારી થીસિસ પૂરી થવામાં છે ત્યારે જ હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવો એ અન્યાય પૂર્ણ છે. અધવચ્ચેથી અમે મુંબઈમાં બીજે ક્યાં રહેવા જઈએ એવો સવાલ આ વિદ્યાર્થીએ કર્યો હતો.આ આદેશ સામે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ડીનને રજૂઆત કરી હતી પરંતુ તેમણે આ આદેશ ઉચ્ચ સત્તાવાળાએ કર્યો હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા.
સરકાર પર કિન્નાખોરીનો આક્ષેપ
નોંધનીય છે કે ટીસ ના વિદ્યાર્થીઓ રાજકીય રીતે ખૂબ જાગૃત હોય છે. આ વિદ્યાર્થીઓએ અનેક વખત સરકારના કેટલાક પગલાં અને નીતિનો વિરોધ કર્યો હતો. હોસ્ટેલ ખાલી કરવાના આદર્શ પાછળ સરકારની કિન્નાખોરી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.