રાજકોટ જિલ્લાના સાત ગામોમાં ટેન્કર રાજ : ખોખડદળ, લોધિકા સહિતના ગામોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક
ઓણસાલ રાજકોટ શહેર-જિલ્લામાં શ્રીકાર વરસાદ વરસવા છતાં ઉનાળાના મધ્યભાગમાં જ રાજકોટ જિલ્લાના સાત ગામો ટેન્કર આધારિત બન્યા છે અને હજુ પણ બીજા સાતેક જેટલા ગામોમાં પાણીની સ્થિતિ વિકટ બને તેમ હોય ઉનાળાના અંતભાગમાં ટેન્કર દોડાવવા પડે તેવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. હાલમાં રાજકોટ જિલ્લામાં ખોખડદળ,મહીકા, લોધિકાના કાંગશીયાળી સહિતના સાત ગામમાં 5 હજાર અને 10 હજાર લીટરના નાના મોટા 89 ફેરા દૈનિક કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જિલ્લાની પાણીની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ઉનાળામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની પાણીની સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે. હાલમાં રૂડા તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે-જે ગામમાં પાણીની સ્થિતિ વિકટ છે ત્યાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો શરુ કરી દેવામાં આવ્યા છે. જેમાં કોટડા સાંગાણીના અનિડા વાછરડામાં 10 ફેરા, વિછિયાના ઢેઢુકીમાં 2 ફેરા, ધોરાજીના મોટી પરબડી અને ભુખીમાં 3 ફેરા, ખોખડદડમાં 12 ફેરા, મહિકામાં 24 ફેરા તેમજ લોધિકાના કાંગશીયાળીમાં 20 ફેરા દૈનિક સહિત ઉપરોક્ત સાતેય ગામોમાં દૈનિક 89 ફેરા પાણીના કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જિલ્લામાં પાણીની અછત ન સર્જાય તે માટે પાણી સમિતિની બેઠક યોજી તમામ વિભાગોને સંકલનમાં રહી લોકોને પાણીની કિલ્લત સહન ન કરવી પડે તે માટે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હોય હાલમાં જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક ગામોને જૂથ યોજનામાં સમાવેશ કરી પાણીની તંગી ન સર્જાઈ તે માટે કાર્યવાહી કરી છે. જો કે, ઉનાળાના અંત ભાગમાં હજુ પણ સાત જેટલા ગામોમાં પાણીની અછત સર્જાઈ તેમ હોવાનું શક્યતા જોતા પાણી પુરવઠા વિભાગે જસદણના દેવપરા, વિછિયાના અજમેર,કોટડાના જુના રાજપીપળા અને રાજકોટના અમરગઢ ભીચરી,હિરાસર તેમજ ગૌરીદળ માટે આગોતરી તૈયારી શરૂ કરી છે.