રાજકોટ પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલ વાવડીની નામચીન મહિલા બુટલેગર પંખુડીના દબાણો ઉપર મંગળવારે રાજકોટ મહેસુલી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. સાથે જ આ વિસ્તારમાં આવેલ નાના-મોટા,કાચા-પાકા મકાન, ઝુંપડા, દુકાન, શેડ, ભંગારના ડેલા તેમજ નોનવેજના થોકબંધ હાટડાઓ સહિતના દબાણ દૂર કરાવી રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા અંદાજે 30 કરોડની કિંમતની 10 હજાર ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી.

રાજ્યના ગૃહવિભાગે 100 કલાકમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામોની યાદી તૈયાર કરી આવા દબાણો ઉપર બુલડોઝરફેરવી દેવા કરેલા આદેશ અન્વયે રાજકોટ સીટી પોલીસની સાથે રહી રાજકોટ તાલુકા મામલતદારની ટીમોએ મંગળવારે વાવડી રેવન્યુ સર્વે નંબર 149 પૈકીની સરકારી જમીન ઉપર કબ્જો જમાવી બેઠેલ નામચીન મહિલા બુટલેગર પંખુડીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

સાથે જ વાવડીમાં રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના દબાણ નાયબ મામલતદાર રઘુભાની ટીમોએ 35 ઝુંપડા, 5 મકાન, 3 દુકાન, બે શેડ-ભંગારના ડેલા તેમજ થોકબંધ નોનવેજના હાટડાઓનો કડૂસલો બોલાવી અંદાજે 30 કરોડની કિંમતની કુલ 10 હજાર ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી.
