‘સુપ્રીમ’ ચુકાદો એસબીઆઇને તમાચો
લોકસભાની ચૂંટણી સુધી વિગતો છુપાવવાની મેલી મુરાદ પર સર્વોચ્ચ અદાલતે પાણી ફેરવી દીધું
ઇલેકટોરલ બોન્ડની વિગતો આજે સાંજ સુધીમાં ચૂંટણી પંચને આપી દેવા આદેશ
ચૂંટણી પંચે બધી વિગતો 15 સુધીમાં જાહેર કરવી પડશે
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ઐતિહાસિક ઝાટકો લાગ્યો છે. ઇલેક્ટોરલ બોન્ડ ની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધીની મુદત માંગતી એસબીઆઇની અરજી મંગળવારે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી અને 12 માર્ચના કામકાજના કલાક સુધીમાં તમામ વિગતો ચૂંટણી પંચને આપી દેવાનો આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પણ એ તમામ વિગતો 15 માર્ચની સાંજે 5:00 વાગ્યામાં જાહેર કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે લોકસભાની ચૂંટણી સુધી કોઈ પણ રીતે ઇલેક્ટોરલ બોન્ડની વિગતો બહાર ન પાડવાના એસબીઆઇના ઇરાદા ઉપર પાણી ફરી વળ્યુ છે.
સર્વોચ્ચ અદાલતે 12 ફેબ્રુઆરીના ઐતિહાસિક ચુકાદામાં ઇલેક્ટોરલ બોન્ડની યોજનાને ગેર બંધારણીય ગણાવી હતી અને તે અંગેની તમામ વિગતો 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને સોંપી દેવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાને આદેશ કર્યો હતો. જો કે તે મુદત ના બે દિવસ પહેલા ચોથી માર્ચે એસબીઆઈએ મુદત 30 જૂન સુધી લંબાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને વિગતો જાહેર કરવાનું ટાળ્યું હતું.તેની સામે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની સંસ્થાએ કરેલી અરજીના અનુસંધાને સર્વોચ્ચ અદાલતે આ આદેશ કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ સંજીવ ખન્ના, બી. આર .ગવાઈ,જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે બેંકને આડેહાથ લેતા કહ્યું કે છ માર્ચ સુધીમાં વિગતો ચૂંટણી પંચને સોંપી દેવાનો આદેશ કરતો ચુકાદો અમે 15 મી ફેબ્રુઆરી આપ્યો હતો. આજે 11મી માર્ચ છે. 26 દિવસ સુધી તમે શું કર્યું એ અંગે તમારી અરજીમાં કોઈ ઉલ્લેખ નથી.
અદાલતે વધુમાં કહ્યું કે 15 ફેબ્રુઆરીનો ચુકાદો “ક્રિસ્ટલ ક્લિયર” હતો.SBIએ માત્ર સીલબંધ કવર ખોલવાની, વિગતો એકત્રિત કરવાની અને ચૂંટણી પંચને માહિતી આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “જ્યારે તમે આ રીતે એક્સ્ટેંશન માટે આવો છો તે ગંભીર બાબત છે. અમારો ચુકાદો સ્પષ્ટ હતો. તમે દેશની નંબર 1 બેંક છો..”
અદાલતે વધુમાં કહ્યું કે મુદત વધારાની અરજીમાં ખુદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એ સ્વીકાર્યું છે કે બોન્ડ ખરીદનાર અને વટાવનાર બંનેની વિગતો તેની પાસે તૈયાર છે. આ સંજોગોમાં મુદત વધારાની માગણીનો સ્વીકાર કરવામાં આવે છે.
દલીલ દરમિયાન એક પણ બહાનું સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું નહીં
મુદત સુધારાની માગણીને ઉચિત ઠરાવવા માટે sbi ના વકીલ હરીશ સાલ્વે એ કરેલી વાહિયાત દલીલો સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. એ દલીલના કેટલાક અંશ:
સાલ્વે( એસબીઆઇ)ના વકીલ:
અમારી પાસે કોણે બોન્ડ ખરીદ્યા અને કોણે વટાવ્યા તેની વિગતો તૈયાર છે. અમારે હવે બોન્ડ નંબર સાથે ક્રોસ ચેકિંગ કરવાનું છે. તેમાં સમય લાગે એમ છે. અમને સમય આપો. અમે બધી વિગતો આપી દેશું.
ચીફ જસ્ટિસ: અમે ક્યાં તમને ક્રોસ ચેક કરવાનું કહ્યું છે? તમારે માત્ર દાતાઓના નામ અને બોન્ડ વટાવનાર રાજકીય પાર્ટીની વિગતો જ આપવાની છે.
સાલ્વે: અમે ભૂલ કરીને કોઈ અંધાધુંધી સર્જવા નથી માગતા. કોઈ ભૂલ થશે તો દાતા અમારી ઉપર કેસ કરશે. અમને થોડો સમય આપો અમે બધી વિગતો આપી દેશું.
જસ્ટિસ ખન્ના: ભૂલ થવાનો કોઈ સવાલ જ નથી તમારી પાસે કેવાયસી છે. તમે દેશની પ્રથમ નંબરની બેંક છો તમે સક્ષમ છો એવી અમે આશા રાખીએ છીએ.
સાલ્વે: બોન્ડ ખરીદનાર અને વટાવનારની વિગતો અલગ અલગ સાઇલોમાં છે. તેને કારણે વિગતો જાહેર કરવામાં સમય લાગી શકે છે.
ચીફ જસ્ટિસ: તમે જ સ્વીકાર્યું છે કે બંને વિગતો સીલબંધ કવરમાં તૈયાર છે. તમારે માત્ર કવર જ ખોલવાના છે.
તો અવમાનના ની કાર્યવાહી કરીશું: સુપ્રીમ કોર્ટની ધારદાર ચેતવણી
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સામે કોર્ટના આદેશની અવમાનના બદલ કાર્યવાહીની માંગ કરતી અરજી આવી છે. અમે અત્યારે તે અંગે કોઈ કાર્યવાહી કરતા નથી પરંતુ જો 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને વિગતો આપવાના આદેશનો અમલ નહીં થાય તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સામે સર્વોચ્ચ અદાલતના આદેશને અવમાનના કરવા અંગે કાર્યવાહી કરીશું.
હવે આટલી વિગતો જાહેર કરવી પડશે
સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે એસબીઆઈ અને ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ ના નંબર, ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, બોન્ડની રકમ, બોન્ડ વટાવાયાની તારીખ અને બોન્ડ વટાવનાર રાજકીય પાર્ટી ની વિગતો જાહેર કરવી પડશે. તેનાથી અત્યાર સુધીમાં કોણે કઈ પાર્ટીને ક્યારે ક્યારે કેટલા રૂપિયાનું દાન આપ્યું તેની પ્રજાને જાણકારી મળી શકશે.