રઝળતા શ્વાનોને નસબંધી અને રસીકરણ બાદ મૂળ વિસ્તારમાં પાછા મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં શ્વાનોના મુદ્દે 8 ઓગસ્ટના વિવાદાસ્પદ આદેશમાં સુધારો કરીને રઝળતા શ્વાનોને પકડીને રસીકરણ અને નસબંધી કર્યા બાદ તેમને તેમના મૂળ વિસ્તારમાં પાછા મૂકવાનો આદેશ કર્યો હતો. જોકે, રેબીઝથી સંક્રમિત અથવા આક્રમક વર્તન ધરાવતા શ્વાનોને રસીકરણ બાદ અલગ શેલ્ટરમાં રાખવામાં આવશે. આ નિર્ણયનું પશુપ્રેમીઓએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું છે.

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાની દિશામાં પણ પગલાં લેવાની જાહેરાત કરી અને કહ્યું કે આ મામલે વિગતવાર સુનાવણી બાદ રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવશે.
નોંધનીય છે કે આ કેસને મુખ્ય ન્યાયાધીશે ત્રણ ન્યાયાધીશોની બેન્ચને સોંપ્યો હતો, જે એક દુર્લભ પગલું ગણાય છે, કારણ કે 8 ઓગસ્ટના આદેશે ન્યાયમૂર્તિ પારડીવાલાની બેન્ચે આપેલા નિર્ણયથી ભારે વિવાદ થયો હતો. કોર્ટે આદેશ આપ્યો કે શ્વાનોને જાહેરમાં ખોરાક આપવાની સખત મનાઈ છે અને આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શ્વાનોને ખોરાક આપવા માટે નિયુક્ત સ્થળો નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, પશુપ્રેમીઓને શ્વાનોને દત્તક લેવા માટે અરજી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેમની જવાબદારી રહેશે કે દત્તક લીધેલા શ્વાનો ફરી રસ્તા પર ન આવે. કોર્ટે વધુમાં આદેશ આપ્યો કે આ મુદ્દે અરજી કરનાર વ્યક્તિઓએ 25,000 રૂપિયા અને એનજીઓએ 2 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. સુપ્રીમ કોર્ટે દેશભરની અન્ય હાઈકોર્ટમાં લંબિત આવી અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો નિર્ણય પણ લીધો છે, જેથી રાષ્ટ્રીય નીતિ ઘડી શકાય.
8 ઓગસ્ટનો આદેશ શું હતો ?
8 ઓગસ્ટના આદેશમાં ન્યાયમૂર્તિ પારડીવાલાની બેન્ચે દિલ્હી-એનસીઆરની નાગરિક સત્તાવાળાઓને તમામ રઝળતા શ્વાનોને આઠ અઠવાડિયામાં પકડીને શેલ્ટરમાં રાખવામાં આવે અને તેમને ફરી રસ્તાઓ પર ન મૂકવાનો આદેશ આપ્યો હતો. નાગરિક સત્તાવાળાઓને ઓછામાં ઓછા 5,000 શ્વાનોની ક્ષમતા ધરાવતા શેલ્ટર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શેલ્ટરમાં રાખવામાં આવેલા શ્વાનોના કલ્યાણ માટે સુરક્ષા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આ આદેશ શ્વાનોના કરડવાના વધતા કેસો અને રેબીઝના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. સરકારી આંકડા અનુસાર, 2024માં દિલ્હીમાં 25,000 શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા, જેમાંથી 3,000થી વધુ કેસ જાન્યુઆરી 2025માં નોંધાયા હતા.
