દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના
સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCRના નાગરિક સત્તાધિકારીઓને રખડતા કૂતરાંને તાત્કાલિક પકડી, તેમની નસબંધી કરી અને કાયમી ધોરણે શેલ્ટરમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા અવરોધ ઉભો કરવામાં આવે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવની બેન્ચે બાળકો સહિત અનેક લોકો રખડતા કુતરાઓને કારણે હડકવાનો ભોગ બનતા હોવાની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી હતી. અદાલતે કહ્યું કે આ આદેશ “સ્વ-હિત માટે નહીં, પરંતુ લોકોના વ્યાપક હિત માટે” છે. કોર્ટે ઉમેર્યું કે કોઈપણ પ્રકારની ભાવનાઓ આમાં સામેલ ન થવી જોઈએ. બાળકો અને નાનાં બાળકો હડકવાનો ભોગ ન બનવા જોઈએ. આ કાર્યવાહીથી લોકોમાં એવો વિશ્વાસ જન્મવો જોઈએ કે તેઓ રખડતા કૂતરાંના ભય વિના મુક્તપણે ફરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને, જુલાઈ 2025માં, સુપ્રીમ કોર્ટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રખડતા કૂતરાંના કરડવાથી રેબીઝના કેસો અને મૃત્યુઆંક, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધતા હોવાના સમાચાર પર સુઓ મોટો નોંધ લીધી હતી. કોર્ટે આ સ્થિતિને “અત્યંત ચિંતાજનક” ગણાવી અને નાગરિક સત્તાધિકારીઓની નિષ્ફળતાની આકરી ટીકા કરી હતી.
આ પણ વાંચો : પાકના સૈન્ય વડા મુનીરે મુકેશ અંબાણીના ફોટો સાથે બિઝનેસ મથકો પર હુમલાની આપી ધમકી, અમેરિકામાં ફરી ભારતની ઉશ્કેરણી કરી
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
સુપ્રીમ કોર્ટે દિલ્હી સત્તાધિકારીઓએ 8 અઠવાડિયામાં પૂરતા સ્ટાફ અને CCTV દેખરેખ સાથે શેલ્ટર બનાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં જણાવ્યા મુજબ નસબંધી બાદ કોઈપણ કૂતરાને છોડવામાં નહીં આવે. 6 અઠવાડિયામાં સંવેદનશીલ વિસ્તારોમાંથી શરૂઆત કરીને 5,000 રખડતા કૂતરાં પકડવા પડશે અને આ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત આ કાર્યવાહીનો રેકોર્ડ રાખવા, કુતરા કરડવાના અને હડકવાની ફરિયાદ માટે એક અઠવાડિયામાં હેલ્પલાઇન શરૂ કરવા, તેમજ હડકવાની રસીને ઉપલબ્ધતા અને સ્ટોક અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
