ભરણ પોષણની રકમ નક્કી કરવા માટે સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા જારી કરી
બેંગલુરુ ના અતુલ સુભાષ નામના સોફ્ટવેર એન્જિનિયરે ભરણ પોષણના કેસ સંદર્ભે આત્મહત્યા કર્યા બાદ અદાલત દ્વારા નક્કી કરાતી ભરણ પોષણની રકમ, કાયદાનો દુરુપયોગ તેમજ ન્યાય પ્રણાલી સામે સવાલો ઊભા થયા હતા. દરમિયાન સર્વોચ્ચ અદાલતે ભરણ પોષણની રકમ નક્કી કરવા માટે આઠ મુદ્દાને ફોર્મ્યુલા નક્કી કરી દેશભરની તમામ અદાલતો ને એ ફોર્મ્યુલા અનુસારના માપદંડો નજરમાં રાખી ભરણ પોષણની રકમ નક્કી કરવા સલાહ આપી હતી.
અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 80 મિનિટની વિડીયો જારી કરી હતી અને 24 પાનાની સુસાઇડ નોટમાં તેણે ન્યાય પ્રણાલિકા સામે પણ આક્ષેપો કર્યા હતા. આ ઘટના ભારે ચર્ચાસ્પદ બની હતી અને દહેજ, ભરણપોષણ તથા સાસરિયાઓ સામે ત્રાસ અંગેની થતી ફરિયાદોના કેસોમાં કાયદાના અર્થઘટન તથા ન્યાય પ્રણાલી અંગે ફેરવિચારણા કરવાનો વ્યાપક સુર ઊઠ્યો હતો.
બાદમાં સર્વોચ્ય અદાલતના જસ્ટિસ વિક્રમનાથ અને પીવી વરાલેની બેંચે ભરણ પોષણ ની રકમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અદાલતે કહ્યું હતું કે ભરણ પોષણની રકમ પતિને સજાના ભાગરૂપે નહીં પરંતુ છુટાછેડા મેળવનાર પત્ની ગરીમા પૂર્ણ જીવન જીવી શકે એ માટે નક્કી કરવી જોઈએ.
અદાલતે એ માટે આઠ મુદ્દાને એક માર્ગદર્શિકા સૂચવી હતી. જેમાં ભરણ પોષણની રકમ નક્કી કરવા માટેના તમામ પાસા આવરી લેવામાં આવ્યા હતા.
દરમિયાન એક પુરુષ અને તેના માતા-પિતા સામેના દહેજના એક કેસને ફગાવી દેતા, ન્યાયમૂર્તિ બીવી નાગરથના અને એન કોટીશ્વર સિંહની બનેલી બેન્ચે અવલોકન કર્યું હતું કે કેટલીકવાર પતિ અને તેના પરિવાર સામે અંગત વેરના સાધન તરીકે કાયદાની જોગવાઈનો ઉપયોગ કરવામાં આવે છે.
ભરણ પોષણની રકમ નક્કી કરવા માટે સર્વોચ્ચ અદાલતે આ માપદંડ નક્કી કર્યા
1 પતિ પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ
2 ભવિષ્યમાં પત્ની અને બાળકોની મૂળભૂત જરૂરિયાતો
3 સાસરે રહેતી વખતે પત્ની નું જીવન ધોરણ
4 શું પત્નીએ કુટુંબની સાર સંભાળ લેવા માટે નોકરી છોડી દીધી છે?
5 નોકરી ન કરતી પત્નીને કાનૂની લડત માટે વ્યાજબી રકમ
6 ભરણપોષણની રકમ ચૂકવ્યા બાદ પતિની આર્થિક સ્થિતિ તેની આવક અને જવાબદારીઓ
7 પતિ અને પત્ની બંનેની લાયકાત અને રોજગાર
8 આવક અને સંપત્તિના સ્ત્રોત અને માધ્યમ