એક વર્ષના યુધ્ધનું સરવૈયું: અકલ્પ્ય રક્તપાત -મહાવિનાશ
આતંકી હુમલા નો ઇઝરાયેલે દાંત કચકચાવી બદલો લીધો
40300 સ્થળો પર બોમ્બવર્ષા કરી ગાઝાને ખંડેર બનાવી દીધું:41788 લોકોના મોત
ગાઝાના 90 ટકા કરતાં વધારે મકાનો ધ્વસ્ત: તમામ 24 લાખ લોકો વિસ્થાપિત:હમાસના17 હજાર લડાકુઓનો ખાતમો
સાતમી ઓક્ટોબર 2823 ના રોજ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં પ્રવેશી હમાસે કરેલા આતંકવાદી હુમલાબાદ ઇઝરાયેલે ગાઝાને ખેદાન મેદાન કરી નાખ્યું છે. આતંકી હુમલાની પ્રથમ વરસીએ ઇઝરાયેલે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા પરથી તેણે પોતાની ભૂમિ અને પોતાના નાગરિકો પર થયેલા હુમલાનો કેવો ભયંકર બદલો લીધો તેની ઝલક મળે છે. હમાસે કરેલા આતંકવાદી હુમલામાં સાતમી ઓક્ટોબરે 815 નિર્દોષ નાગરિકો સહિત કુલ 1200 લોકોના મૃત્યુ થયા હતા. આતંકવાદીઓ 251 નાગરિકોને બંધક ઉઠાવી ગયા હતા.જો કે એ જ દિવસે ઈઝરાયેલી દળોએ કરેલી વળતી કાર્યવાહીમાં હમાસના 1000 આતંકીઓનો ખાતમો બોલી ગયો હતો.એ પછી ઇઝરાયેલ ગાઝા ઉપર તૂટી પડ્યું હતું અને સતત એક વર્ષ સુધી જમીની અને હવાઈ હુમલા કરી ગાઝાને ખંડેર બનાવી દીધું હતું.
ઇઝરાયેલે આ એક વર્ષ દરમિયાન ગાઝામા 40,300 સ્થળો પર એર સ્ટ્રાઈક કરી હતી. ઇઝરાયેલે હમાસના આશ્રયસ્થાનો અને લશ્કરી થાણાઓ, શસ્ત્ર ભંડારો ઉપરાંત ગીચ રહેણાંક વિસ્તારો, શરણાર્થી છાવણીયો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો , મસ્જિદો, શાળાઓ અને જળાશયોને નિશાન બનાવ્યા હતા.આ હુમલા એટલા વિનાશક હતા કે ગાઝા પટ્ટીના 90% કરતાં મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. આખું ગાઝા ખંડેરમાં પલટાઈ ગયું છે અને તેના તમામ 24 લાખ નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે. ઇઝરાયેલે કરેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સહિત 41, 788 લોકોના મૃત્યુ થયા છે અને 96797 લોકો ઘાયલ થયા છે.એ પછી પણ ઇઝરાયેલ ના હુમલા ચાલુ જ છે. અબૂતપૂર્વ માનવીય સંકટ ભોગવતું ગાઝા દાયકાઓ સુધી ઊભું ન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ ઇઝરાયેલ એ કરી નાખ્યું છે.
17000 આતંકવાદીઓનો ખાતમો 4,700 ભૂગર્ભ ટનેલોનો નાશ
ઇઝરાયેલે ગાઝાપટ્ટી ઉપર હુમલો કરી હમાસના 17,000 આતંકવાદીઓને પતાવી દીધા હતા. તેમાં આઠ બ્રિગેડ કમાન્ડર, 30 બટાલિયન કમાન્ડર અને 165 કંપની કમાન્ડર નો સમાવેશ થાય છે. ઇઝરાયેલી દળોએ હમાસે બનાવેલી 30 ફૂટથી 120 ફૂટ ઊંડી 4700 ભૂગર્ભ ટનલો અને બંકરોનો નાશ કર્યો હતો. ઇઝરાયેલી હુમલામાં યુનાઇટેડ નેશન સહિત અન્ય સંસ્થાઓના 224 સ્વયંસેવકો તેમજ એટલી સંખ્યામાં ડોક્ટરો અને પેરામેડિકસ ના મૃત્યુ થયા હતા.
લેબેનોનમાં 11,000 સ્થળો પર એર સ્ટ્રાઈક હેઝબોલ્લાહના 800 લડાકુઓ નો સફાયો
હમાસ સાથે યુદ્ધ શરૂ થયું તે પછી સતત ઇઝરાયેલ ઉપર હુમલા કરનાર લેબેનોનના હેઝબોલ્લાહ ઉપર પણ છેલ્લા 15 દિવસ દરમિયાન ઇઝરાયેલે પ્રચંડ આક્રમણ કર્યું હતું. ઇઝરાયેલી સેનાએ જાહેર કર્યા અનુસાર આ દિવસો દરમિયાન લેબેનોનમાં 11,000 સ્થળો પર હેર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. હેઝબોલ્લાહના 800 લાખો સહિત કુલ 2000 લોકોના આ હુમલામાં મૃત્યુ થયા હતા.
ઇઝરાયેલ પર 26 હજાર રોકેટ ,મિસાઈલ ઝીંકાયા: જંગમાં 728 સૈનિકો શહીદ
સાત ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વિવિધ મોરચા પરથી ઇઝરાયેલ ઉપર 26 હજાર રોકેટ,મિસાઈલ અને ડ્રોન હુમલા થયા હતા. સાતમી ઓક્ટોબરે એક જ દિવસમાં ગાઝામાંથી હમાસે 5000 રોકેટ વડે હુમલો કર્યો હતો. એક વર્ષ દરમિયાન ગાઝામાંથી કુલ 13200 રોકેટ ઇઝરાયેલ ઉપર ઝિંકાયા હતા. લેબેનોનમાંથી 12400, સીરિયામાંથી 60, યેમેન માંથી 180 અને ઇરાનમાંથી 400 મિસાઈલ અને રોકેટ વડે ઇઝરાયેલ પર હુમલા કરવામાં આવ્યા હતા. આ આંકડામાં હમાસે ફેકેલા અને ખુલી જગ્યા અથવા દરિયામાં પડેલા રોકેટોનો સમાવેશ થતો નથી. એક વર્ષના આ જંગ દરમિયાન ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકોની પણ મોટી જાનહાની થઈ છે. સાતમી ઓક્ટોબર 2023 ના આતંકી હુમલામાં થયેલી જાનહાની ઉપરાંત હમાસ સાથેના યુદ્ધમાં 728 સૈનિકો શહીદ થયા હતા અને 4,576 ઘાયલ થયા છે. શહીદ થયેલા સૈનિકોમાં 346 ના મૃત્યુ ગાઝા પરના જમીની હુમલા દરમિયાન થયા હતા. એ હુમલાઓ દરમિયાન ભૂલથી ઇઝરાયેલી સેનાએ પોતાના સૈનિકો પર કરેલા હુમલામાં 56 ના મૃત્યુ થયા હતા.
વેસ્ટ બેંકમાં 609 આતંકીઓને પોઢાડી દીધા: 5000 ની ધરપકડ
વેસ્ટ બેંકમાં ઇઝરાયેલે 609 આતંકીઓને મારી નાખ્યા હતા. ઇઝરાયેલી દળોએ વેસ્ટ બેંકમાં 150 કરતાં વધારે રેડ કરી હતી અને 31 મકાનોનું ડિમોલિશન કર્યું હતું. એ દરમિયાન 5250 વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી