સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
રાજકોટમાં સોના અને ચાંદી બંને ધાતુઓમાં ચાલી રહેલા “રોલરકોસ્ટર ભાવ”વચ્ચે હવે વ્હાઇટ જવેલરી તરફ ગ્રાહકોનો ઝુકાવ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીનો ભાવ રૂપિયા 4 લાખ પ્રતિ કિલો નજીક પહોંચતા હવે ચાંદીની જવેલરી સામાન્ય ગ્રાહકો માટે “લાખેણી” બની રહી છે. તેમ છતાં, ફેશન અને રોકાણ બંને દૃષ્ટિએ સિલ્વર જવેલરી પ્રત્યે આકર્ષણ ઘટ્યું નથી.
જવેલર્સ જણાવે છે કે છેલ્લા ઘણા દિવસોથી 92’5 જવેલરી ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 92.5 શુદ્ધતા ધરાવતી સ્ટર્લિંગ સિલ્વર જવેલરીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લાઇટવેઇટ ડિઝાઇન, ટ્રેન્ડી ફિનિશ અને વ્હાઇટ લુકને કારણે યુવા વર્ગ તેમજ લગ્ન પ્રસંગોમાં પણ સિલ્વર જવેલરી પ્રથમ પસંદ બની રહી છે.
જવેલર્સનું માનવું છે કે જો ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં સ્થિરતા રહેશે તો વ્હાઇટ જવેલરી માર્કેટમાં હજી વધુ તેજી આવી શકે છે, જ્યારે હાલ માટે રાજકોટમાં સિલ્વર જવેલરીની માંગ મજબૂત સ્થિતિમાં છે.
સ્ટર્લિંગ સિલ્વરે બદલી બજારની દિશા,50 ટકા ડાયવર્ટ : પ્રવીણ વૈદ્ય
સોનાના વધતા ભાવ મધ્યવર્ગ માટે દિવસે દિવસે પહોંચ બહાર થઈ રહ્યા છે, જેના કારણે ગોલ્ડની સામે હવે સિલ્વરની વેલ્યુ નોંધપાત્ર રીતે વધી રહી છે. હાલના તબક્કામાં ગોલ્ડ અને રીઅલ ડાયમંડ જવેલરીને પણ પાછળ રાખી દે તેવી આધુનિક અને આકર્ષક ડિઝાઇન 92.5 શુદ્ધતા ધરાવતી સ્ટર્લિંગ સિલ્વર જવેલરીમાં ઉપલબ્ધ થઈ છે, જેના કારણે બજારમાં વ્હાઇટ જવેલરીનો ક્રેઝ વધી રહ્યો છે.ઇન્ડોટેક જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી પ્રવીણ વૈદ્યના જણાવ્યા મુજબ, અગાઉ જ્યાં માત્ર ચાંદીના ચોરસાની માંગ રહેતી હતી ત્યાં હવે રો-કોપરની વધતી માંગને કારણે વેપારીઓ રો-કોપરના ચોરસા પણ મોટા પ્રમાણમાં મંગાવી રહ્યા છે. જોકે તાજેતરના સમયમાં સિલ્વર-કોપર એલોયની ડિમાન્ડ વધુ મજબૂત બની છે, જેનાથી મેન્યુફેક્ચરિંગ ખર્ચ અને ડિઝાઇનમાં નવી શક્યતાઓ ઊભી થઈ છે.સિલ્વર જવેલરી હાલ રૂપિયા 1,000થી શરૂ થઈ 25,000 સુધી સરળતાથી મળી રહે છે, જે મધ્યવર્ગ અને યુવા વર્ગ માટે મોટી રાહતરૂપ સાબિત થઈ છે. હાલની બજાર સ્થિતિમાં અંદાજે 50 ટકા ગ્રાહકો તેમજ વેપારીઓ ગોલ્ડ અને રીઅલ ડાયમંડને બદલે સિલ્વર તરફ ડાયવર્ટ થયા છે.
આ પણ વાંચો :રાજકોટમાં પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર બાઈક અને મોબાઈલની લૂંટ, ‘તું મારી બહેનો સામે કેમ જુએ છે?’ કહી 3 શખસોનું કારસ્તાન
નાના બજેટમાં મોટા વિકલ્પ બની ચાંદીની જવેલરી : વિજય સુરુ(પીના જવેલર્સ)
નવા વર્ષની શરૂઆતથી જ સોનુ અને ચાંદી બંને ધાતુઓના ભાવ સતત આગળ વધી રહ્યા છે. ખાસ કરીને ચાંદીમાં નોનસ્ટોપ તેજી જોવા મળી રહી છે, ચાંદી હજી થોડું ઊંચું ગયા બાદ તેમાં બેઝિક કરેક્શન આવી શકે છે, પરંતુ હાલના સંજોગોમાં ભાવની ચિંતા કરતાં ખરીદીનો ઝોક વધુ જોવા મળી રહ્યો છે.હાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બજારમાં ગોલ્ડની સામે ચાંદીના દાગીના તરફ ગ્રાહકોનું આકર્ષણ છે. વધતા સોનાના ભાવને કારણે મધ્યવર્ગ અને યુવા વર્ગ માટે ગોલ્ડની ખરીદી મુશ્કેલ બની છે, જ્યારે ચાંદીની જવેલરી ફેશન અને બજેટ બંને દૃષ્ટિએ વધુ અનુકૂળ સાબિત થઈ રહી છે.પીના જવેલર્સના વિજયભાઈ સુરુએ જણાવ્યું હતું કે, હાલમાં અંદાજે રૂપિયા 5,000 સુધીમાં ચાંદીના પેન્ડલ, બુટી, બ્રેસલેટ સાથેના આકર્ષક સેટ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. ડિઝાઇન અને વજન પ્રમાણે લેબર ચાર્જમાં પણ ભાવનો ફરક પડતો હોય છે, જેના કારણે ગ્રાહકો પોતાની જરૂર અને બજેટ મુજબ પસંદગી કરી શકે છે.જવેલર્સનું માનવું છે કે ભાવમાં ઉથલપાથલ હોવા છતાં હાલ ચાંદીના દાગીનાની માંગ મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ સિલ્વર માર્કેટમાં સ્થિર ખરીદી ચાલુ રહેવાની શક્યતા
ચાંદી ‘રનિંગ’માંથી ‘પ્રેસિયસ’ બની, બદલાતો ટ્રેન્ડ:શિલ્પા વસા(રેરિટી ગ્રુપ)
રાજકોટમાં સિલ્વર જવેલરી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. રેરિટી ગ્રુપનાં શિલ્પા વસાના જણાવ્યા મુજબ, અગાઉ બજારમાં 60, 70 કે 80 ટચની સિલ્વર જવેલરી વધુ પ્રમાણમાં મળતી હતી, જ્યારે હવે 92.5 ટચ ધરાવતી સ્ટર્લિંગ સિલ્વર જવેલરી ઉપલબ્ધ થવાથી ગ્રાહકોનો વિશ્વાસ ઘણો વધ્યો છે. શુદ્ધતાની ખાતરી સાથે ક્વોલિટી અને ફિનિશિંગમાં સુધારાઓ થતા સિલ્વર જવેલરીને નવી ઓળખ મળી છે.શિલ્પા વસાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને રીઅલ ડાયમંડ જેવી જ ડિઝાઇન અને હાઇ-ફિનિશિંગ હવે સ્ટર્લિંગ સિલ્વર જવેલરીમાં મળી રહી છે. જો તેમાં રોઝ પોલિશિંગ કરવામાં આવે તો ગોલ્ડ અને રીઅલ ડાયમંડ જેવી ડિઝાઇન સિલ્વર જવેલરીમાં સરળતાથી મળે છે, જે મહિલાઓ માટે આકર્ષણનું મુખ્ય કારણ બની રહ્યું છે.ચાંદીની વેલ્યુમાં સતત વધારો થતાં તેની માંગ પણ વધી છે. અત્યાર સુધી સિલ્વરને “રનિંગ મેટલ” તરીકે જોવામાં આવતું હતું, પરંતુ ભાવમાં આવેલા ઉછાળાને કારણે હવે ચાંદી પ્રેસિયસ મેટલની શ્રેણીમાં ગણાવા લાગી છે.
