ગુવાહાટી આઇઆઇટી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત
આઠ કલાક સુધી લાશ નીચેના ઉતારવામાં આવી
ઘટના દબાવવાના પ્રયાસો સામે કોલેજકેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રચંડ દેખાવ
આસામના ગુવાહાટીમાં આઇઆઇટી કોલેજની હોસ્ટેલના રૂમમાં 21 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એ ઘટના બાદ કેમ્પસના વિદ્યાર્થીઓએ કોલેજ મેનેજમેન્ટની સંવેદનહિનતા તથા કથિત રીતે ઘટના છુપાવવાના પ્રયાસો સામે પ્રચંડ દેખાવ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનામાં જ બે સહિત આ વર્ષે આ શૈક્ષણિક સંસ્થામાં આપઘાતની આ ચોથી ઘટના હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશનો બિમલેશકુમાર નામનો વિદ્યાર્થી બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો હતો અને તે અંગેના તમામ જરૂરી મેડિકલ સર્ટિફિકેટ તેણે રજૂ કર્યા હતા તેમ છતાં કોલેજન વહીવટકર્તાઓએ તે માન્ય ન રાખતાં તે ડિપ્રેશનમાં સરી ગયો હોવાનો અન્ય વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.
આ ઘટના બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ એડમિનિસ્ટ્રેશન ઓફિસ સામે જંગી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સામે ગંભીર રાક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે અમે રૂમમાં એ વિદ્યાર્થીને પંખા ઉપર લટકતો જોયા બાદ તે જીવિત છે કે મૃત તે ચકાસવા માટે બારણું તોડવું જરૂરી હતું પરંતુ અમને તેમ કરતાં અટકાવવામાં આવ્યા હતા. 30 મિનિટ પછી બારણું ખોલાવવામાં આવ્યું ત્યાર બાદ પણ એ વિદ્યાર્થીની પલ્સ ચકાસવાની નર્સને મંજૂરી નહોતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે બારણું ખોલ્યા પછી પણ આઠ કલાક સુધી લાશ લટકતી રહી હતી.
આઇઆઇટી ગુવાહાટીમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના આપઘાતની ચાર ઘટના બની ચૂકી છે. 9મી ઓગસ્ટે એમ ટેક ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી ઉત્તર પ્રદેશની સૌમ્યા નામની વિદ્યાર્થીનીનો મૃતદેહ પણ તેના રૂમમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓની કાંઈ પડી નથી. અયોગ્ય રીતે ગ્રેડ લાવવા માટે દબાણ કરવામાં આવે છે. ફિઝિકલ અને મેન્ટલ સપોર્ટ માટે કશું જ કરવામાં આવ્યું નથી અને પરિણામે વિદ્યાર્થીઓ આપઘાત કરવા માટે પ્રેરાઈ રહ્યા છે.
વિડીયો ડીલીટ કરવા માટે દબાણ કર્યું
વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓએ કહ્યું કે કોલેજના ડીન,અધ્યક્ષ અને હોસ્ટેલ અફેર્સ બોર્ડના સભ્યોએ અમોને મૃતકના પરિવારજનોને બનાવની જાણ કરતાં અટકાવ્યા હતા એટલો જ નહીં ઘટના સ્થળના પુરાવા તરીકેના વિડીયો અમારા ફોનમાંથી ડીલીટ કરી દેવાનું પણ દબાણ કરાયું હતું.