સંગમ તટ પર સંગ્રામ! શંકરાચાર્યએ કર્યો સ્નાનનો બહિષ્કાર: ભક્તોને માર મારવામાં આવ્યાનો શંકરાચાર્યનો આરોપ, અવિમુક્તેશ્વરાનંદ ધરણા પર બેઠા
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના પ્રસંગે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના ભક્તો અને પોલીસ વચ્ચે ગંગા સ્નાન કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સંગમ તટ પર જાણે સંગ્રામ ખેલાયું હતું તેવું વાતાવરણ થઈ ગયું હતું. ત્યારબાદ, પોલીસે તેમના ભક્તોને ખેંચી કાઢ્યા હતા, જેના કારણે શંકરાચાર્યને સ્નાન કર્યા વિના પાછા ફરવાની ફરજ પડી હતી. તેમની અને તેમના ભક્તો સાથે થયેલા અભદ્ર વર્તનને પગલે, શંકરાચાર્યએ તેમના શિબિરની બહાર ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા. એમનો આરોપ છે કે ભક્તોને માર મારવામાં આવ્યો છે. એમણે ગંગા સ્નાનનો બહિષ્કાર કરી દીધો હતો. શંકરાચાર્યને સંગમ કિનારે જતાં અટકાવાયા હતા અને તે મુદ્દે બબાલ થઈ ગઈ હતી.
શંકરાચાર્યએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર તેમને આદર અને પ્રોટોકોલ સાથે એસ્કોર્ટ નહીં કરે ત્યાં સુધી તેઓ ગંગામાં સ્નાન કરશે નહીં. મૌની અમાવસ્યાના શુભ પ્રસંગે પ્રયાગરાજમાં માઘ મેળામાં તણાવ ફાટી નીકળ્યો હતો જ્યારે વહીવટીતંત્રે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના કાફલાને સંગમ કિનારે જતા અટકાવ્યો હતો.
સંગમમાં મોટી ભીડને જોતાં, પોલીસે શંકરાચાર્યને તેમના રથ પરથી ઉતરીને પગપાળા આગળ વધવા વિનંતી કરી હતી. જો કે આ બાબતે ભારે રકઝક થઈ હતી અને પછી ધમાલ શરૂ થઈ ગઈ હતી.
આ પણ વાંચો :કોહલીની મહેનત બેકાર: 20 વર્ષ બાદ ઇન્દોરમાં વન-ડે મેચ હાર્યું ભારત, સીરિઝ પર ન્યૂઝીલેન્ડનો કબજો,રોહિત સહિતના બેટર ફેઈલ
શંકરાચાર્યના અનુયાયીઓ રથ સાથે આગળ વધવા માંગતા હતા, જેના કારણે પોલીસ અને સમર્થકો વચ્ચે ઉગ્ર દલીલો અને ઝપાઝપી થઈ હતી. એવો આરોપ છે કે શિષ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્તનથી ગુસ્સે થઈને, શંકરાચાર્યે સંગમમાં સ્નાન કરવાનો ઇનકાર કર્યો અને ત્યાં ધરણા પર બેસી ગયા. વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમની શોભાયાત્રા અટકાવી દેવામાં આવી હતી.
ભક્તોએ બેરીકેડ તોડી; બાળકોને ઢાલ બનાવ્યા: પોલીસ કમિશનરનો આરોપ
પ્રયાગરાજ પોલીસ કમિશનર જોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ગઈકાલે સુરક્ષા કારણોસર બંધ કરાયેલા સ્થળ પર સવારે 9 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. તેમની અને તેમના સમર્થકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, તેમના બેરિકેડ તોડી નાખ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે.જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ પરંપરા વિરુદ્ધ જઈ રહ્યા છે, ત્યારે તેમણે તેમના રથ અને સમર્થકો સાથે પરત ફરવાનો માર્ગ લગભગ ત્રણ કલાક સુધી અવરોધિત કર્યો. આનાથી અરાજકતા સર્જાઈ. તેમના સમર્થકોએ બાળકોને ઢાલ તરીકે ઉપયોગ કરીને હોબાળો મચાવ્યો.
શ્રધ્ધાળુઓએ સ્નાન કર્યું;3 કરોડ લોકો ઉમટી પડ્યા
બ્રહ્મ મુહૂર્તમાં મૌની અમાવસ્યાના સ્નાન વિધિનો રવિવારથી પ્રારંભ થયો હતો. શનિવારથી , ઘાટ પર ભક્તોનો ધસારો ઉમટ્યો હતો. લોકોનો ધસારો ચાલુ જ રહ્યો હતો. દરમિયાન, મેળા વહીવટીતંત્રે મૌની અમાવસ્યા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. રવિવારે મૌની અમાવસ્યા પર સ્નાન માટે 3 કરોડથી વધુ લોકો આવ્યા હોવાનું મનાય છે. સવારે 8 વાગ્યા સુધીમાં, 1 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું.
