માર્ક્સ આધારિત બેઠક વ્યવસ્થા બંધ કરો : સુપ્રીમ કોર્ટ, માનસિક દબાણથી બચાવવા માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
ભારતમાં વધતી જતી વિદ્યાર્થી આત્મહત્યાઓની ગંભીર સમસ્યાને ઉકેલવા સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ માટે બંધનકર્તા રાષ્ટ્રીય માર્ગદર્શિકા જાહેર કરી છે. 2023માં વિશાખાપટ્ટનમની આકાશ બાયજુસ ઈન્સ્ટિટ્યૂટમાં નીટની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થીની આત્મહત્યાના કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના વધતા જતા આપઘાતની ઘટનાઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે શિક્ષણ વ્યવસ્થામાં માળખાગત ખામીને વિદ્યાર્થીઓની માનસિક તકલીફનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. અદાલતે શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ક્સ આધારિત બેઠક વ્યવસ્થા દૂર કરવા જણાવ્યું હતું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 2022ના આંકડા મુજબ, ભારતમાં કુલ 1,70,924 આત્મહત્યામાંથી 7.6% (આશરે 13,044) વિદ્યાર્થીઓની હતી, જેમાંથી 2,200થી વધુ પરીક્ષામાં નિષ્ફળતા સાથે સંકળાયેલી હતી. આને “સિસ્ટમની નિષ્ફળતા” ગણાવી કોર્ટે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ખાનગી કોચિંગ સેન્ટર્સ અને હોસ્ટેલો માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી હતી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે તેમણે આપેલી માર્ગદર્શિકા, જ્યાં સુધી સંસદ કે રાજ્યો દ્વારા કાયદો ઘડાય નહીં ત્યાં સુધી કાયદા તરીકે બંધનકર્તા રહેશે.
આ પણ વાંચો : Film Thama : ‘Thama’માં વેમ્પાયર-ભેડિયાની થશે ટક્કર, આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી

અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે મહિનામાં કોચિંગ સેન્ટરો માટે નિયમો ઘડવાનો અને કેન્દ્ર સરકારને 90 દિવસમાં પાલન અંગે એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : ‘Saiyaara’ ફિલ્મ 200 કરોડના ક્લબમાં થઇ સામેલ : 2025ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનના મહત્વના મુદ્દા
- માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલર: 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ ઓછામાં ઓછા એક મનોવિજ્ઞાની અથવા કાઉન્સેલર રાખવા. નાની સંસ્થાઓએ બાહ્ય નિષ્ણાતો સાથે રેફરલ સિસ્ટમ બનાવવી.
- હેલ્પલાઈન નંબર્સ: ટેલિ-MANAS જેવા હેલ્પલાઈન નંબર્સ કેમ્પસ, હોસ્ટેલ અને વેબસાઈટ પર પ્રદર્શિત કરવા.
- માર્ક્સ આધારિત બેચ પર પ્રતિબંધ: ગુણના આધારે બેચ વિભાજન, જાહેર અપમાન અને આક્રમક શૈક્ષણિક લક્ષ્યોની પ્રથા બંધ કરવી.
- સ્ટાફ તાલીમ: વર્ષમાં બે વખત માનસિક પ્રાથમિક સહાય, ચેતવણીના સંકેતો ઓળખવા અને SC, ST, OBC, EWS, LGBTQ+ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવેદનશીલતા તાલીમ.
- સુરક્ષિત માળખું: હોસ્ટેલોમાં ટેમ્પર-પ્રૂફ પંખા અને છત/બાલ્કનીની મર્યાદિત પહોંચ સુનિશ્ચિત કરવી.
- ફરિયાદ સિસ્ટમ: જાતિ, લિંગ, ધર્મ કે લૈંગિક અભિમુખતા આધારિત ભેદભાવ, રેગિંગ કે યૌન શોષણની ગુપ્ત ફરિયાદ સિસ્ટમ અને તાત્કાલિક મનોસામાજિક સહાયની વ્યવસ્થા કરવી.
- સર્વાંગી વિકાસ: પરીક્ષાનું દબાણ ઘટાડવા, રસ આધારિત કારકિર્દી કાઉન્સેલિંગ અને પરીક્ષા સિવાયની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું