IOCની પાઇપલાઈનમાં કાણું પાડીને આટલા કરોડનું ક્રુડ ચોરી લીધુ
બે શખશોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ : અત્યાર સુધીમાં 21થી પણ વધુ સ્થળોએ પાઈપલાઈનમાંથી ક્રૂડ ચોરી કરી છે.
માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના પણ અલગ અલગ વિસ્તારોમાં પસાર થતી ઇન્ડિયન ઓઇલ કંપનીની લાઈનમાં પંચર પાડી કરોડો રૂપિયાની કિંમતનું ક્રૂડ ઓઇલ ચોરી કરનાર આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃત વાઘેલાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પ્રશાંત પોતાના સાગરીત સમીર ખાન સાથે મળીને આયોસીની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલમાંથી ચોરી કરતો હતો.
આરોપીઓ રાજસ્થાન અને ગુજરાતના સિધ્ધપુર, પાટણ, લખતર, સુરેન્દ્રનગર, મહેસાણા, બાલીસણા, અમદાવાદ, દાહોદ, કડી જેવા શહેરોમાંથી પસાર થતી પાઇપલાઇનમાંથી લગભગ 20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરી છે. આ લોકો કરોડો રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરી ચૂક્યા છે. ક્રૂડ ઓઇલની ચોરી કરવા માટે આ બંને આરોપીઓ અવાવરુ જગ્યાએ અથવા તો ખેતરમાંથી પસાર થનાર પાઇપલાઇનમાં ઊંડો ખાડો ખોદતા અને ત્યારબાદ વેલ્ડીંગ જેવા સાધનો લઈ તેમાં પંચર પાડીને ટેન્કરમાં ક્રૂડ ઓઇલ ભરી દેતા હતા.
સુરતના એડીશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે પત્રકારોને કહ્યું હતું કે, બંને આરોપીઓ ગામના ખેતરમાંથી પસાર થનાર IOCની પાઇપલાઇનમાંથી ચોરી કરતા હતા. સૌથી પહેલા તેઓ પાઇપ લાઇનમાં ભંગાર પાડતા અને ત્યારબાદ ઓઇલ ચોરી કરતા હતા. ઓઇલને તેઓ ચોરી કરી ટેન્કરોમાં ભરી દેતા હતા અને ત્યારબાદ તેને સગેવગે કરતા હતા. ગુજરાત સાથે તેઓએ રાજસ્થાન ખાતે આવેલા બ્યાવર જિલ્લા રામગઢ સેધાટન ખાતે પણ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે અને આ અંગે તેઓએ કબુલાત પણ કરી છે.
તેઓએ જણાવ્યું હતું કે, આરોપી પંકજ સામે 21 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેણે કબુલાત કરી છે કે આજ દિન સુધી તેને ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ 21 સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યા છે. ચોરી કરવા માટે તેઓ તમામ સાધનો લઈને જતા હતા ખાસ કરીને રાત્રી દરમિયાન તેઓ પાઇપલાઇનમાં વોલ ફીટ કરી ટેન્કરમાં ક્રૂડ ઓઇલ પાસ કરતા હતા પોતાની પાસે ડ્રિલ મશીન, કટર, વેલ્ડીંગ સહિતના સાધનો રાખતા હતા.