શેર બજારની પછડાટ : ટોચના રોકાણકારોને કેટલું થયું નુકસાન ? વાંચો
છેલ્લા પાંચ મહિનામાં સ્થાનિક શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડાએ મોટા રોકાણકારોને પણ બાકાત રાખ્યા નથી. દેશના ઘણા જાણીતા રોકાણકારોને શેરના ભાવમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. 1 જાન્યુઆરીથી તેમના સ્ટોક પોર્ટફોલિયોના મૂલ્યમાં 25%નો ઘટાડો થયો છે. જો વધુ પાછળ જઈએ તો, 1 ઓક્ટોબરથી તેમાં 30%નો ઘટાડો થયો છે. દેશના ટોચના 10 વ્યક્તિગત રોકાણકારોના પોર્ટફોલિયોના કુલ મૂલ્યમાં 1 ઓક્ટોબરથી લગભગ રૂપિયા ૮૧ હજાર કરોડનો ઘટાડો થયો છે. સૌથી મોટું નુકસાન ડીમાર્ટના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીને થયું છે .
આ સમયગાળા દરમિયાન, દામાણીની કુલ સંપત્તિ રૂપિયા ૨.૩૧ લાખ કરોડથી ઘટીને રૂપિયા ૧.૬૭ લાખ કરોડ થઈ ગઈ છે. ઓક્ટોબરથી તેમની મુખ્ય કંપની એવન્યુ સુપરમાર્ટ્સના શેર 27% ઘટ્યા છે. તેવી જ રીતે, તેમના બીજા સૌથી મોટા રોકાણ, ટ્રેન્ટના શેરમાં પણ 32%નો ઘટાડો થયો છે. ૧ ઓક્ટોબરથી નિફ્ટી ૧૧% ઘટ્યો છે જ્યારે નિફ્ટી મિડકેપ ૧૫૦ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧૭% અને ૨૨% ઘટ્યા છે.

કોને કોને આવી મોટી ખોટ
આવું એટલા માટે થયું કારણ કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂપિયા ૨.૫ લાખ કરોડથી વધુ મૂલ્યના ભારતીય શેર વેચ્યા. નાની અને ઓછી કિંમતી કંપનીઓના શેરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે, કેટલાક શેર 30% થી 80% સુધી ઘટ્યા છે. આકાશ ભણસાલી, મુકુલ અગ્રવાલ, આશિષ ધવન, નેમિશ શાહ, યુસુફઅલી કાદર, આશિષ કચોળિયા અને અનિલકુમાર ગોયલને પણ મોટી ખોટ સહન કરવી પડી છે
ઝુનઝુનવાલા પરિવારની સ્થિતિ
સ્વર્ગસ્થ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પરિવારના પોર્ટફોલિયોમાં 1 ઓક્ટોબરથી 19%નો ઘટાડો થયો છે. આમાં તાજેતરમાં સૂચિબદ્ધ ઇન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન્સનો સમાવેશ થતો નથી. પરિવાર તેમાં 49.54% હિસ્સો ધરાવે છે, જેની કિંમત રૂપિયા ૧૪,૪૦૦ કરોડ છે. આ હોલ્ડિંગ્સ સહિત, પરિવારના પોર્ટફોલિયોનું કુલ મૂલ્ય આશરે રૂપિયા ૫૯,૭૦૯ કરોડ હતું. ઓક્ટોબરથી આકાશ ભણસાલીના પોર્ટફોલિયોમાં 16%નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ફ્લોરોકેમિકલ્સનો શેર ૧૩% ઘટ્યો હતો જ્યારે તેમનું બીજું સૌથી મોટું રોકાણ વન ૯૭ કોમ્યુનિકેશન ૫% વધ્યું હતું.
ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી ઉદ્યોગસાહસિક બનેલા હેમેન્દ્ર કોઠારીની લિસ્ટેડ કંપનીઓની સંપત્તિમાં 29%નો ઘટાડો થયો છે. ૧ ઓક્ટોબરથી, તેમના બે ટોચના હોલ્ડિંગ્સ, આલ્કિલ એમાઇન્સ કેમિકલ્સ અને સોનાટા સોફ્ટવેરના શેર અનુક્રમે ૨૮% અને ૩૩% ઘટ્યા છે.