સોમવારથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ- મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ
એક માસ સુધી ચાલનાર કાર્યક્રમમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન યોજાશે
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી ૨૯ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ચોમાસાની ઋતુમાં ૨૯ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ-૨૦૨૪ એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે ૨૯ જુલાઇના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે. રંગબેરંગી પરેડ બાદ મુખ્ય અતિથિ ગણ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે પધારશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી‘રેઇન રન મેરેથોન’નું ફ્લેગ ઓફ કરાવશે.
મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને આજુબાજુમાં ૧૮ જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે, જેમાં, ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ-મહલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વરલી આર્ટસ, હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.
