વરસાદથી ભરાય ત્યારની વાત ત્યારે, અત્યારે નર્મદા નીરથી આજી ડેમ ભરવાનું શરૂ
પીવાના પાણી માટે રાજકોટ મહદ્ અંશે જેના ઉપર નિર્ભર છે તે આજી ડેમને ફરી નર્મદા નીરથી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમ તો ચોમાસું એકદમ ઢુકડું છે આમ છતાં વરસાદ આવવામાં વિલંબ થાય તો છેલ્લી ઘડીએ પાણી મેળવવા માટે ભાગદોડ ન કરવી પડે તે માટે મહાપાલિકા દ્વારા 14 મેએ જ સરકારને પત્ર લખી પાણીની `ઉઘરાણી’ શરૂ કરી દેતાં 26 મેએ ડેમને નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા 14 મેએ સરકારને પત્રક લખી જણાવાયું હતું કે આજી-1 ડેમમાં તબક્કાવાર 1800 એમસીએફટી તેમજ ન્યારી-1 ડેમમાં તબક્કાવાર 700 એમસીએફટી મળી કુલ 2500 એમસીએફટી પાણીના જથ્થાની માંગ કરવામાં આવી હતી. જે પૈકી આજી-1 ડેમમાં 836 અને ન્યારી-1 ડેમમાં 772 એમસીએફટી મળી કુલ 1608 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. આ પ્રમાણે આજી-1 ડેમમાં 1800માંથી 836 એમસીએફટી પાણી સૌની યોજના મારફતે અપાયા બાદ હજુ 964 એમસીએફટી પાણી આપવાનું બાકી રહે છે. આ પત્ર લખાયાના 12 દિવસમાં જ સરકાર દ્વારા આજી-1 ડેમમાં 964માંથી 250 એમસીએફટી પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
250 એમસીએફટી પાણી જૂલાઈ સુધી ચાલશે અને જો ત્યાં સુધીમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે અને ડેમમાં આવક થવા લાગશે તો પછી નર્મદા નીર લેવાનું બંધ કરવામાં આવશે અન્યથા આ પ્રકારે ઉછીનું પાણી લઈને તેનું વિતરણ કરવામાં આવશે. બીજી બાજુ ડેમમાં પૂરતી માત્રામાં જળજથ્થો હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં પૂરતા ફોર્સથી પાણી નહીં મળી રહ્યાની ફરિયાદો અંગે પૂછવામાં આવતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યારે આખા શહેરમાં ડીઆઈ પાઈપલાઈન બિછાવવાનું કામ ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ ફોર્સની ફરિયાદ રહેશે નહીં અને એકધારી માત્રામાં પાણી મળવા લાગશે !