Sonu Sood : બોલીવુડ અભિનેતા સોનુ સૂદ મુશ્કેલીમાં !! કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું : જાણો શુ છે સમગ્ર મામલો
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પંજાબની લુધિયાણા કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલો છેતરપિંડી સાથે સંબંધિત છે. અભિનેતા સોનુ સૂદ છેતરપિંડીના કેસમાં ગવાહી આપવા આવ્યો ન હતો. આ પછી, પંજાબના લુધિયાણાની એક કોર્ટે દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યું છે.
પંજાબના લુધિયાણાની મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે બોલીવુડ એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કર્યું છે. કોર્ટમાં વકીલ દ્વારા દસ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો નોંધાવવામાં આવ્યો હતો જેમાં સોનુ સુદનું પણ નામ આવ્યું હતું. કોર્ટમાં વકીલ રાજેશ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે તેમને નકલી રિજિકા કોઈનમાં ઇન્વેસ્ટ કરવા માટે લાલચ આપવામાં આવી હતી. સાથે જ તેણે પોતાની ફરિયાદમાં અન્ય ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

આ વોરંટ મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે અભિનેતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે. મહત્વનું છે કે સોનુ સૂદ પોતાના અભિનયની સાથે સેવા કાર્યો માટે પણ જાણીતો છે. ખાસ કરીને સોનુ સૂદે કોવિડ દરમ્યાન અનેક લોકોની મદદ કરી હતી અને આજે પણ તેઓ લોકોની મદદ કરે છે. લોકોની મદદ કરવા માટે સોનુ સૂદએ સુદ ચેરીટી ફાઉન્ડેશન શરુ કર્યું છે.
પોલીસને શું આદેશો છે ?
આદેશમાં આગળ લખ્યું છે કે, ‘તમને આ વોરંટ 10-02-2025 ના રોજ અથવા તે પહેલાં બજાવવાનો નિર્દેશ આપવામાં આવે છે. કયા દિવસે અને કેવી રીતે તેને અમલમાં મૂકવામાં આવ્યો, અથવા શા માટે તેને અમલમાં મૂકી શકાયું નહીં તેનું પ્રમાણપત્ર પણ આપો. કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે.