સોનિયા ગાંધીને મળી આ ઓફર, વાંચો શું છે
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પછી સોનિયા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એમને સોનિયા ગાંધીને તેલંગાણાની ખમ્મમ સીટથી ચૂંટણી લડવાની ઓફર આપી છે.
સૂત્રો દ્વારા માહીતી મળી છે કે રેવંત રેડ્ડીએ આ મુલાકાત દરમિયાન કહ્યું છે કે તેલંગાણાની ખમ્મમ બેઠક કોંગ્રેસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવે છે. જો કે, સોનિયા ગાંધી હજુ સુધી આ ઓફર માટે સંમત થયા નથી. હવે જોવાનું એ રહ્યું કે શું સોનિયા ગાંધી પરંપરાગત લોકસભા બેઠક રાયબરેલીને છોડીને તેલંગાણાની ખમ્મમ બેઠક પરથી ચૂંટણી લડશે?
સોનિયા ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા સાંસદ છે. તે 2004થી સતત રાયબરેલીથી જીતી રહ્યા છે. જારી કરાયેલ એક સત્તાવાર રીલીઝ મુજબ, રેડ્ડીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરવામાં આવી હતી કારણ કે ત્યાંના લોકો તેમને ‘મા’ તરીકે જુએ છે.
રેવંત રેડ્ડીએ તેમને કહ્યું કે તેલંગાણાને અલગ રાજ્ય બનાવવામાં તેમના યોગદાનને કારણે તેલંગાણાના લોકો તેમને માતા તરીકે માન આપે છે અને તેમને તે જ રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરી રહ્યા છે. વિનંતીના જવાબમાં સોનિયાએ કહ્યું કે તે યોગ્ય સમયે નિર્ણય લેશે.