પુણેમાં સમોસામાંથી નીકળ્યું કઈક આવું…જુઓ
કેન્ટીન કોન્ટ્રાક્ટના વિવાદમાં ધંધાદારી હરિફ નો કારસો
મહારાષ્ટ્રના પુણેમાં એક ઓટોમોબાઇલ કંપનીની કેન્ટીનમાં કર્મચારીઓને પીરસવામાં આવેલા સમોસામાંથી નિરોધ,ગુટકા અને પથ્થરો મળી આવતા ભારે દેકારો બોલી ગયો હતો. એ કંપનીને ખોરાક પહોંચાડવાના કોન્ટ્રાક્ટમાં વિવાદ થયા બાદ ધંધાદારી હરીફે આ કારસો રચ્યો હોવાનું ખુલ્યા બાદ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કેટાલિસ્ટ સર્વિસ સોલ્યુશન નામની કંપનીને આ ઓટોમોબાઇલ કંપનીમાં ખોરાક પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એ કંપનીએ મનોહર એન્ટરપ્રાઇઝ નામની બીજી એક કંપનીને પેટા કોન્ટેક્ટ આપ્યો હતો.
સમોસામાંથી આ બધી અખાદ્ય સામગ્રીઓ મળી આવ્યા બાદ પોલીસે મનોહર એન્ટરપ્રાઇઝના કર્મચારીઓની પૂછપરછ કરતા આ આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ અગાઉ ઓટોમોબાઇલ કંપનીને ખોરાક પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ એસઆરએ એન્ટરપ્રાઇઝ નામની કંપની પાસે હતો પરંતુ તેણે પહોંચાડેલા ખોરાકમાંથી બેન્ડેજ નીકળતા કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં એ કંપનીના સંચાલકો રહીમ શેખ, અજહર શેખ અને મઝહર શેખે મનોહર એન્ટરપ્રાઇઝના ફિરોજ શેખ અને વિકી શેખ નામના કર્મચારીઓને સાધ્યા હતા અને એ બન્નેએ નિરોધ ગુટકા અને પથ્થરો વાળા સમોસા પહોંચતા કર્યા હતા. પોલીસે એ તમામ પાંચ શખ્સોની ધરપકડ કરી છે.