છેતરવાવાળા પડ્યા છે તો છેતરાવાવાળાની સંખ્યા પણ ઓછી નથી…
તંત્ર દ્વારા અલગ-અલગ પ્રકારે સાયબર ક્રાઈમથી બચવા અપીલ કરાઈ રહી છે છતાં તેનું કોઈ જ પરિણામ ન મળતું હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં લોકો બની રહ્યા છે ભોગ: વાંક કોનો ?
ગૂગલ પર નંબર સર્ચ કરી તેના પર ફોન નહીં કરવા, ઓછું રોકાણ’ને વધુ વળતર મેળવવાની લાલચ ન રાખવા, અજાણી લીન્ક પર ક્લિક ન કરવા સહિતના કિસ્સા ઘટવાનું નામ લઈ રહ્યા નથી
પેટા: ત્રણેક મહિના દરમિયાન સાયબર ક્રાઈમનો ભોગ બનેલા ૧૭ અરજદારોને રૂા.૧૩,૩૪,૮૮૨ પરત અપાવતી પોલીસ: પરત અપાવાય છે તેના કરતાં ગુમાવી દીધેલી રકમનો આંકડો વધુ
રાજકોટ સહિત આખા દેશમાં સાયબર ક્રાઈમનો રાફડો ફાટી નીકળ્યો છે અને દરરોજ લોકોના કરોડો રૂપિયા સાયબર માફિયાઓ હજમ કરી રહ્યા છે. જો કે ક્રાઈમ સામે પોલીસ દ્વારા લડત' ચલાવાઈ રહી છે પરંતુ તે
લાકડાની તલવાર’થી લડવામાં આવી રહી હોય તેમ જેટલી રકમ ગુમાવવામાં આવે છે તેના કરતા અડધી પણ પરત મળી રહી નથી તેવો અંદાજ વ્યક્ત કરવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. રાજકોટની વાત કરવામાં આવે તો અહીં દરરોજ ૧૦થી વધુ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનીને ૧૫ લાખ રૂપિયા જેવી રકમ ગુમાવી રહ્યા છે. સાયબર ક્રાઈમ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા પોલીસ સહિતના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેની કોઈ જ અસર થઈ રહી ન હોય તેવી રીતે દૈનિક મોટી રકમ છેતરપિંડીને કારણે લોકો ગુમાવી રહ્યા છે. આવા જ વધુ ૧૭ જેટલા લોકો છેતરાયા છે જેમાં કોઈની સાથે ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ)ના નામે છેતરપિંડી કરવામાં આવી છે તો કોઈએ માતાની સારવાર કરાવવા માટે પૈસા ગુમાવવા પડ્યા છે. આ તમામને પોલીસ દ્વારા રકમ પરત અપાવાઈ છે જે ૧૩ લાખ ૩૪ હજાર ૮૮૨ રૂપિયા જેટલી થાય છે.
માતાની સારવાર માટે હરિદ્વાર પહોંચ્યા’ને ખબર પડી, છેતરાયા છીએ
રાજકોટના નિધિબેન દિનેશભાઈ વ્યાસના માતાને મગજમાં લાગી ગયું હોય જેની સારવાર પતંજલિ આયુર્વેદિકમાં કરાવવા માંગતા હોવાથી તેમણે હરિદ્વાર જવા ગૂગલ પર સર્ચ કરી કોન્ટેક્ટ નંબર મેળવ્યો હતો. આ પછી તેના પર ફોન કરતાં સામેવાળાએ પોતે પતંજલી હરિદ્વારથી વાત કરે છે તેમ કહી ૧૫ દિવસમાં તેમના માતા ઠીક થઈ જો તેવું કહ્યું હતું જેના બદલામાં હોટેલ બુકિંગ પેટે ૭૫૫૦૦ લઈ લીધા હતા. આ પછી નિધિબેન માતાને લઈને ટે્રન દ્વારા હરિદ્વાર પહોંચ્યા હતા જ્યાં જઈને હોટેલ પર પૂછતાં કોઈ પ્રકારનું બુકિંગ ન થયાનું ખુલતાં તેમણે ફરિયાદ કરી હતી જે રકમ પોલીસે પરત અપાવી છે.
ડીસીપી તરીકે ઓળખ આપીને ન્યુડ વીડિયોના પૈસા પડાવ્યા
હવે તો લોકો પોલીસ અને તેમાં પણ ખાસ કરીને ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીના નામે છેતરપિંડી કરતાં થઈ ગયા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અરજદારને તેમના ચહેરાવાળો મોર્ફ કરેલો ન્યુડ વીડિયો મોકલ્યો હતો અને થોડા સમય બાદ ડીસીપી તરીકે ઓળખ આપીને ન્યુડ વીડિયો વાયરલ થયો છે જે દૂર કરવો પડશે નહીંતર ધરપકડ કરાશે તેવું કહી ૭૧૫૦૦ પડાવી લીધા હતા. આ અંગેની ફરિયાદ થતાં પોલીસે તાત્કાલિક એક્શન લઈ તમામ રકમ પરત અપાવી છે.
લોનના નામે ૮૫૦૦૦ પડાવ્યા
શૈલેષ વાઘેલા નામના વ્યક્તિ સાથે અજાણ્યા શખ્સે વૉટસએપ પર સંપર્ક કરી ચાર લાખની લોન અપાવી દેવાની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી લીધા બાદ અલગ-અલગ ચાર્જના નામે ૮૫૦૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી જે રકમમાંથી પોલીસે ૪૬૪૦૪ રૂપિયા પરત અપાવ્યા છે.
નોકરી ડૉટ કોમ પર ક્લિક કર્યું’ને ફોન આવ્યો, ૬૧૦૦૦ ઉપડી ગયા
દ્રવિકાબેન અનિલભાઈ દેસાઈ નામના મહિલાએ નોકરી ડોટ કોમ વેબસાઈટ ઓપન કરી તેમાં પોતાના બાયોડેટા સબમીટ કર્યા હતા. આ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવતાં દ્રવિકાબેનને નોકરી આપવાની લાલચ દઈને ૬૧,૦૦૦ પડાવી લેવાયા હતા જે તમામ રકમ પોલીસે પરત કરી છે.
આર્મીમેનના નામે વધુ એક છેતરપિંડી
રાજકોટના શૈલેષ સુનિલભાઈ વાઘરી સાથે આર્મીમેનના નામે છેતરપિંડી થઈ છે. અરજદારે થોડા સમય પહેલાં ફેસબુક પર ઘરવખરીના માલસામાનની ખરીદી કરવા માટેની પોસ્ટ જોઈ તેમાં સંપર્ક કર્યો હતો. આ પછી તેને ગઠિયાએ પોતે આર્મીમા છે પરંતુ તેની બદલી રાજકોટ એરપોર્ટથી ઉત્તરપ્રદેશ થઈ ગઈ હોય એટલા માટે સામાન વેચવાનો છે. આ પછી બન્ને વચ્ચે ૫૭૪૦૦ની લેવડ-દેવડ થઈ હતી પરંતુ કોઈ જ સામાન નહીં મળતાં અંતે છેતરપિંડી થયાનું ખુલતાં પોલીસે કાર્યવાહી કરી ૫૭૪૦૦ પરત અપાવ્યા છે.
ટે્રડિંગ, ટેલિગ્રામ, તાંત્રિકવિધિ, બેન્ક કર્મચારીના નામે લાખો ઉસેડી લેવાયા
સાયબર માફિયાઓ લોકો પાસેથી રકમ પડાવવા માટે નવતર કીમિયા અખત્યાર કરતા હોય છે ત્યારે હવે યુ.એસ.ડી.ટી. ટે્રડિંગ, ટેલિગ્રામ એપ્લીકેશનમાં રોકાણની લીન્ક, તાંત્રિકવિધિ, બેન્ક કર્મચારીની ઓળખ આપીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે રકમ પોલીસે પરત અપાવી છે.
સસ્તું ડ્રાયફ્રૂટ, ઑનલાઈન ટાસ્ક પૂરા કરવા, કોચિંગ ક્લાસ સહિતના નામે છેતરપિંડીની માયાજાળ
લોકોને સસ્તું મળે એટલે તેને ખરીદવા માટે આંખ બંધ કરી દેતા હોય છે પરિણામે પસ્તાવાનો વખત આવે છે. આવો જ કિસ્સો રાજકોટમાં સસ્તું ડ્રાયફ્રૂટ મેળવવાના બદલામાં હજારો રૂપિયા ગુમાવવાનો બન્યો છે. આવું જ કંઈ ઑનલાઈન ટાસ્ક પૂરા કરવા, કોચિંગ ક્લાસનું રજિસ્ટે્રશન કેન્સલ કરવા સહિતના નામે છેતરપિંડીની માયાજાળમાં લોકો ફસાયા બાદ પોલીસે કાર્યવાહી કરી રકમ પરત અપાવી છે.