રાજકોટમાં તસ્કરો બેલગામ: ગોલ્ડ શો-રૂમમાંથી મહિલાએ 15 મિનિટમાં જ 4.72 લાખનો ચેઇન ચોર્યો,બીજી ઘટનામાં 40 વર્ષીય મહિલાએ મિનિટોમાં ચેઇન સેરવ્યો
રાજકોટમાં તસ્કરો બેલગામ બન્યા હોય તે પ્રકારે ચોરી કરતા ક્ષણભરનો વિલંબ કરી રહ્યા નથી ત્યારે આવી જ એક ચોરી શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલા માલાબાર ગોલ્ડ શો-રૂમમાં થવા પામી હતી જ્યાં અંદાજે 45 વર્ષીય મહિલાએ પંદર મિનિટની અંદર 4.72 લાખના ચેઇનની ચોરી કરતાં એ-ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ ધંધે લાગી હતી.
આ અંગે માલાબાર ગોલ્ડ શો-રૂમના મેનેજર વિજય સંતોષભાઈ બુલચંદાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 23 જાન્યુઆરીએ શો-રૂમ બંધ કર્યા બાદ સ્ટાફ દ્વારા સોનાના જુદા જુદા ઘરેણાના સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી જે દરમિયાન 4.72 લાખની કિંમતનો ચેઈન જોવા ન મળતાં સ્ટાફની પૂછપરછ કરી હતી પરંતુ કોઈને આ ચેન અંગે ખ્યાલ ન હોવાનો જવાબ મળ્યો હતો. આ પછી શો-રૂમના 24-1-2026 તેમજ 25-1-2026ના ફૂટેજ જોયા હતા જેમાં જોવા મળ્યું હતું કે 23 જાન્યુઆરીએ બપોરે 4ઃ50 વાગ્યે એક મહિલા શો-રૂમમાં આવ્યા બાદ ડિસ્પ્લેયટ્રેમાંથી સોનાના ચેઈનની ચોરી કરી રહેલી દેખાઈ રહી છે.
આ ચોરી બાબતે એ-ડિવિઝન પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું કે ચોરી કરી ત્યારે અંદાજે 45 વર્ષીય મહિલા રિક્ષામાં બેસીને આવી હતી. આ સમયે રિક્ષામાં તેની સાથે અન્ય ત્રણેક મહિલાઓ પણ સાથે આવી હતી પરંતુ શો-રૂમની અંદર ચોરી કરનાર મહિલા જ ઘૂસી હતી. તે અંદર ગયા બાદ પંદર જ મિનિટમાં બહાર આવી ગઈ હોય તેણે આટલા સમયમાં જ ચેન ચોરી કરી લીધો હતો.
આ પણ વાંચો :SIRમાં ગોટાળો! ફોર્મ નંબર-7 રજૂ કરનારા અરજદારોની તપાસ કરો: રાજસ્થાનના પ્રભારી-પૂર્વ MLA ઋત્વિક મકવાણાએ લગાવ્યા આક્ષેપ
પોલીસ દ્વારા હાલ યાજ્ઞિક રોડથી શરૂ કરી ચુનારાવાડ ચોક કે જ્યાં રિક્ષા જઈ રહેલી દેખાય છે ત્યાં સુધીના સીસીટીવી ચેક કરવામાં આવતા તમામ ચુનારાવાડ ચોકમાં રિક્ષામાંથી ઉતરતાં જોવા મળી રહ્યા હોય હવે એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાં શો-રૂમની નીચે જ જાગનાથ પોલીસ ચોકી છે છતાં તસ્કરાણી બે ખૌફ બની હાથ મારી થઇ.
18 વર્ષીય યુવક સાથે આવેલી 40 વર્ષીય મહિલાની કરામત મિનિટોમાં ચેઇન સેરવ્યો
રાજકોટમાં એક જ દિવસમાં સોના-ચાંદીના બબ્બે ચેઈન ચોરાયાની અને આ બન્ને ચેઈન મહિલા દ્વારા જ ચોરવામાં આવ્યાની ફરિયાદ નોંધાતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 18 વર્ષીય યુવક સાથે આવેલી 40 વર્ષીય મહિલાએ ગજબની કરામત વાપરીને મિનિટોમાં ચેઈન સેરવી પર્સમાં મુકી દીધાં બાદ તેને વેચવા જાય તે પહેલાં જ પોલીસે પકડી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ અંગે સોની બજારમાં નવા નાકાના મેઈન ઢાળ ઉપર શ્રી કુંજ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સ્મિત નિલેશભાઈ કાત્રોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે મંગળવારે સવારે 11 વાગ્યે 40 વર્ષની એક મહિલા 18 વર્ષના યુવક સાથે દુકાનમાં આવી હતી અને ચાંદીનો ચેન તેમજ ચાંદીની કાનમાં પહેરવાની બાલી બતાવવા માટે કહ્યું હતું. આ પછી મહિલાએ ટેબલ ઉપર કાચની ડિસ્પ્લેમાં રાખેલી બાલી બતાવવા કહેતાં તે બતાવી હતી જે જોઈ રહ્યા હતા ત્યારે મહિલાએ ચાંદીના ચેનમાં નવી વેરાયટી બતાવવા માટે કહ્યું હતું જેથી સેલ્સમેને અન્ય વેરાયટી ટેબલના નીચેના ભાગે રાખી હોય તે કાઢવા માટે નમ્યો કે તુરંત જ મહિલાએ 30 ગ્રામનો ચેન અને ત્રણ ગ્રામની બાલી મળી કુલ 30 લાખના ચાંદીના ઘરેણા પર્સમાં મુકી નીકળી ગઈ હતી.
ફરિયાદ નોંધાતાં જ એ-ડિવિઝન પીઆઈ બી.વી.બોરીસાગર સહિતની ટીમે સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરી પેલેસ રોડ પર પદ્મકુંવરબા હોસ્પિટલ પાસેથી મરીયમ અલ્તાફભાઈ લાલપરિયા (ઉ.વ.40, રહે.થોરાળા પોલીસ મથક સામેની શેરી)ને ચોરાઉ ઘરેણા સાથે પકડી લીધી હતી.
