સ્મૃતિ ઈરાનીનું નામ કઈ પોસ્ટ માટે ચર્ચામાં ? શું કહ્યું સ્મૃતિએ ? જુઓ
ભાજપના નેતા અને પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની લોકસભાની ચુંટણી બાદ પ્રથમવાર જ કેમેરા સામે આવ્યા હતા અને ખૂલીને નિખાલસ રીતે મીડિયા સાથે વાતો કરી હતી. દરમિયાનમાં દિલ્હી વિધાનસભા ચુંટણી માટે ભાજપ દ્વારા સ્મૃતિ ઈરાનીને સીએમ ચહેરો બનાવવામાં આવે તેવી શક્યતા છે તેવા અહેવાલો બહાર આવ્યા હતા.
આ બારામાં એમને સવાલ કરાયો ત્યારે એમણે કહ્યું હતું કે દરેક ચુંટણી વખતે આ રીતે નામ બહાર આવતા જ રહે છે. જો કે સ્મૃતિએ કહ્યું કે હવે હું આવી વાતો પર ભરોસો કરતી નથી. જો કે સેવા કરવાનો મોકો મળે તો સૌભાગ્ય છે . 2024 લોકસભાની ચુંટણીમાં સ્મૃતિ અમેઠી બેઠક પર રાહુલ ગાંધી સામે હારી ગયા હતા.
તમે દિલ્હીના સીએમ ચહેરા તરીકે રજૂ થશો કે શું ? તેવા સવાલ અંગે એમણે કહ્યું હતું કે દરેક ચુંટણીમાં મારુ નામ કોઈને કોઈ રીતે લેવામાં આવ્યું જ છે. જો કે ઈરાનીએ એમ કહ્યું હતું કે જો પ્રદેશ કે સમાજની સેવા કરવાનો મોકો મળે તો તે પ્રિવિલેજ છે.
એમણે કહ્યું હતું કે 140 કરોડના દેશમાં કેટલા લોકો સાંસદ બને છે અને કેટલા લોકો ત્રણ વખત સંસદ જઈ શકે છે. કેટલા લોકો 5 થી 6 વિભાગના મંત્રી બની શકે છે? માટે જે કઈ મળે તે પ્રિવિલેજ છે. એમણે કહ્યું કે સંગઠનમાં પણ હું 2 વાર રાષ્ટ્રીય મંત્રી રહી હતી. મહિલા મોરચાની રાષ્ટ્રીય પ્રમુખ રહી છું. રાષ્ટ્રીય કારોબારીમાં 5 વાર સભ્ય રહી ચૂકી છું.
સરકાર અને સંગઠનમાં મે અલગ અલગ રીતે ઘણી સેવા કરી છે અને વધુ કોઈ મોકો મળે તો તે સારી વાત જ છે. હું દરેક કામને સેવાના દ્રષ્ટિકોણથી જ જોઉ છું. આમ સ્મૃતિની વાતો પરથી લાગે છે કે તેઓ દિલ્હીના સીએમ ફેસ તરીકે રહેવા માટે તૈયાર છે.