ફૂંકો તમતમારે મોજથી, આ દેશમાં ઘરમાં બેસી ગાંજાના સેવનની છૂટ
સંસદે બહુમતીથી કાયદો પસાર કર્યો
ઘરમાં ગાંજાની ખેતી પણ કરી શકાશે
વિપક્ષો અને તબીબી સંગઠનોના વિરોધ વચ્ચે જર્મનીની સંસદે ઘરમાં ગાંજો રાખવાની, ઘરમાં રહીને ગાંજાનું સેવન કરવાની તથા ઘરમાં ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપતો કાયદો મંજૂર કર્યો હતો.આ કાનુન હેઠળ 18 વર્ષથી ઉપરના નાગરિકો દરરોજ 25 ગ્રામ લેખે ઘરમાં ગાંજો રાખી શકશે તેમ જ તેનું સેવન કરી શકશે.નાગરિકોને ઘરમાં ત્રણ છોડ સુધી ગાંજાની ખેતી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
જર્મનીમાં યુવાનો મોટા પાયે ગાંજાના રવાડે ચડી ગયા છે.શાસક પક્ષના સાંસદ લૌત્રબેચે આ કાનૂનનો બચાવ કરતા કહ્યું કે લોકો બ્લેક માર્કેટમાં ગાંજો ખરીદી રહ્યા હતા.આ કાનૂનને કારણે ગાંજાના કાયદેસરના મુક્ત વેચાણનો માર્ગ મોકળો થશે.જર્મન કેનાબિન એસોસિએશને ગેરકાયદે વેંચતા ગાંજા માં હેર સ્પ્રે,ટેલકમ પાવડર,મસાલા અને ત્યાં સુધી કે કાચનો ભુક્કો અને હેરોઇન પણ ભેળવી દેવામાં આવતો હોવાનો ભય વ્યક્ત કર્યો હતો અને આ કાનૂનને કારણે હવે શુદ્ધ ગાંજો સહેલાઈથી મળી રહેશે એમ કહી આ કાયદાને આવકાર્યો હતો.
બીજી તરફ વિપક્ષોએ આ કાનૂનને કારણે યુવાનો વ્યસનમાં બરબાદ થઈ જશે તેવો આક્ષેપ કર્યો છે.તબીબી સંગઠનોએ ગાંજાના વ્યસનને કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર અસર થતી હોવાની ચેતવણી આપી છે.તબીબોએ કહ્યું કે ગાંજાનું માપસર નું સેવન પણ સાઇકોસિસ અને સિઝોફ્રેનીયા જેવી બીમારીઓને નોતરી શકે છે.