મહારાષ્ટ્રમાં પ્રથમ વખત છ રાજકીય પક્ષો મેદાનમાં: મુંબઈની 36 બેઠકો પર રોચક જંગ
મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે ખરાખરી નો ખેલ
288 બેઠકો માટે કુલ 4140 ઉમેદવારોએ ઝંપલાવ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ પરત લેવાની મુદત પૂરી થઈ ગયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. વિધાનસભાની 288 બેઠકો માટે હવે કુલ 4,140 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ગત ચૂંટણીમાં 3239 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. સૌથી વધારે મજાલગોન ની બેઠક 36 ઉમેદવારો અને સૌથી ઓછા શાહદાની બેઠક પર ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈની 36 બેઠકો માટે 420 અને પુણે ની 21 બેઠકો માટે 303 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. વિધાનસભાની આ ચૂંટણી અનેક સંદર્ભે અનોખી બની રહી છે.
શિવસેના અને એનસીપીના બે ફાડિયા થયા બાદ પ્રથમ વખત મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં છ પક્ષો મેદાનમાં છે. ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતીમાં ભાજપના 148, એનસીપી અજીત પવારના 22 અને શિવસેના (શિંદે)ના 85 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસના સૌથી વધારે 102, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના 92 અને એનસીપી શરદ પવારના 87 ઉમેદવારો મેદાનમાં છે.
ચૂંટણીની જાહેરાત થઈ અને વિવિધ પક્ષોએ ઉમેદવારો નામ નક્કી કર્યા તે પછી બધા પક્ષોમાં બળવા ફાટી નીકળ્યો હતો. જોકે અનેક બેઠકો પર બળવાખરોને મનાવવામાં સફળતા મળ્યા બાદ પણ હજુ કમ સે કમ 40 બેઠકો પર વિવિધ પક્ષોના બળવાખરો સત્તાવાર ઉમેદવારોને નુકસાન કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
અનેક વગદાર બળવાખોરોની ઉમેદવારી પરત ખેંચી
મુંબઈ બોરીવલીની બેઠક ઉપર સંજય ઉપાધ્યાયને ટિકિટ આપવાના ભાજપના નિર્ણય સામે બે વખત સાંસદ રહી ચૂકેલા ગોપાલ શેટ્ટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા એ બેઠક ઉપર ભાજપ માટે ગંભીર પડકાર ઊભો થયો હતો. જો કે છેલ્લી મિનિટે ગોપાલ શેટ્ટીએ ઉમેદવાર પત્ર પરત ખેંચી ઉપાધ્યાયને ટેકો જાહેર કરતા ભાજપે રાહતનો શ્વાસ લીધો છે. એ જ રીતે ચીંચવાડ ની બેઠક પર બળવો કરનાર વગદાર નેતા નાના કાંટે ને સમજાવી અને ફોર્મ પર જ ખેંચવામાં પણ ભાજપને સફળતા મળી હતી. બીજી તરફ પુણેની કસ્બા પેઠ બેઠક ઉપર અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર મુક્તાર શેખને મનાવવામાં કોંગ્રેસને સફળતા પ્રાપ્ત થઈ હતી. કોંગ્રેસમાંથી બળવો કરનાર હેમલતા પાટીલે નાસિક સેન્ટ્રલ, મધુ ચવાણે ભાઈખલા અને વિશ્વનાથ વાલવી એ નંદુરબારની બેઠક ઉપરથી ફોર્મ પર જ ખેંચ્યા હતા. શિવસેના શિંદે ના રાજશ્રી આહેરાએ દેવલાલી અને ધનરાજ મહાલેએ ડીંડોલી ની બેઠક ઉપરથી ઉમેદવારી પાછી ખેંચી હતી.
ભાજપે 40 અને શિવસેના ઠાકરે પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કર્યા
ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ભારતીય જનતા પક્ષે
કુલ 40 નેતાઓને પક્ષમાંથી તગડી મૂક્યા હતા. આ બળવાખોરો 37 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષને નુકસાન કરી રહ્યા હતા. એ જ રીતે શિવસેના( ઠાકરે) એ ભિવંડી ઈસ્ટના ધારાસભ્ય રૂપેશ મહાત્રે, વિશ્વનાથ નાગરકર, ચંદ્રકાંત ઘુગુલ, સહિત પાંચ નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
મનોજ જરાંગે મેદાનમાંથી હટી ગયા
મરાઠા અનામત આંદોલનના મુખ્ય નેતા મનોજ જરાંગેએ અનેક બેઠકો પર ઉમેદવારો ઊભા રાખતા ચૂંટણી ચિત્ર અસ્પષ્ટ બન્યું હતું. જો કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેમણે પોતાના તમામ ઉમેદવારોને પરત ખેંચી લીધા હતા. તેમણે કહ્યું કે માત્ર કોઈ એક સમુદાયના સમર્થનથી ચૂંટણી જીતી શકાય નહીં. તેમણે મરાઠા સમુદાયને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
કોલાપુરમાં કોંગ્રેસને ઝાટકો સત્તાવાર ઉમેદવાર હટી ગયા
મતદાન પહેલા જ કોંગ્રેસને કોલાપુર નોર્થની બેઠક ઉપર મોટો ઝટકો લાગ્યો હતો. આ બેઠક ઉપર કોંગ્રેસે રાજેશ લટકારનું નામ જાહેર કર્યા બાદ તેમની સામે મધુરીમાં રાજે છત્રપતિ ના તે કેદારોએ વિરોધ પ્રદર્શન કરતાં મામલો ગુચવાયો હતો. બાદમાં કોંગ્રેસે મધુરીમાં રાજે છત્રપતિને ટિકિટ આપી હતી. તેના વિરોધમાં રાજેશ લટકારે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું.આ બધી બબાલ વચ્ચે મધુરીમાં રાજે છત્રપતિએ છેલ્લી મિનિટે ફોર્મ પરત ખેંચી લેતા કોંગી છાવણી સ્તબ્ધ બની ગઈ હતી.
હવે એ બેઠક ઉપર કોંગ્રેસ કે મહાયુતીના એક પણ સત્તાવાર ઉમેદવાર મેદાનમાં નથી. નોંધનીય છે કે મધુરીમાં રાજે છત્રપતિ કોલ્હાપુરના સાંસદ અને રાજવી પરિવારના સભ્ય શાહુ છત્રપતિના પુત્રવધુ છે.
માહિમની બેઠક પર મહાયુતિમાં તડાં
માહિમ ની બેઠક ઉપર મનસેના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ભારતીય જનતા પક્ષે ટેકો જાહેર કર્યો હતો પરંતુ એ બેઠક ઉપર શિવસેના શિંદે એ દાદા સારવનકરને ટિકિટ આપતાં મામલો ગુંચવાયો છે. ભારતીય જનતા પક્ષ હવે એબબેઠક ઉપર મહાયૂતી ના પોતાના સાથી પક્ષ શિવસેના( શિંદે) ના ઉમેદવારને સમર્થન આપશે કે મન સેના અમિત ઠાકરેને ટેકો આપશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
મુંબઈની 22 બેઠકો પર રાજ ઠાકરેએ મહાયુતિ માટે પડકાર સર્જ્યો
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 136 બેઠક ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા છે. જો કે સાચો જંગ મુંબઈની 36 બેઠકો માટે છે. તેમાંથી 25 બેઠકો પર એમએનએસના ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે હિન્દુ અને મરાઠા વોટબેંકનું વિભાજન થવાની સંભાવના છે. મુંબઈની 12 બેઠકો પર શિવસેના(શિંદે)ના ઉમેદવારો સામે અને 10 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો સામે રાજ ઠાકરેના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમાં માહીમ,,વરલી મગાથાણે, કુર્લા, ચાંદીવલી, ભાંડુપ, વિક્રોલી વગેરે બેઠકો પર એમએમએસ ના ઉમેદવારો ભાજપ અને શિવસેનાના ઉમેદવારો સામે ગંભીર પડકાર સર્જી શકે છે. મહિમની બેઠક ઉપર તો ખુદ રાજ ઠાકરે ના પુત્ર અમિત ઠાકરે મેદાનમાં છે. ભાજપે તેમને સમર્થન જાહેર કર્યા પછી પણ શિવસેના શિંદે એ ઉમેદવાર ઊભા રાખતા એ બેઠક ઉપર મહાયુતીમાં તડા પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. વરલીની બેઠક ઉપર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે ની સામે શિવસેનાના ઉમેદવાર તરીકે મુરલી દેવરા મેદાનમાં છે. એ બેઠક ઉપર પણ એમએનએસના સંદીપ દેશવારેની ઉમેદવારીથી જંગ રોચક અને અનિશ્ચિત બન્યો છે.