રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે છ લોકો સાથે 10.95 લાખની છેતરપિંડી,જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના પરસાણાનગર શેરી નં.8માં રહેતા અને જિલ્લા પંચાયતમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવક સહિત છ લોકો સાથે જૂનાગઢના શખ્સે અલગ-અલગ સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવી દેવાના નામે 10.95 લાખની છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સત્યદેવ સુખદેવભાઈ ઘાવરી (ઉ.વ.32)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના પિતા સુખદેવભાઈ રાજકુમાર કોલેજમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોય એ જ કોલેજમાં આશિષ દાનાભાઈ રાઠોડ (રહે.માંગરોળ-જૂનાગઢ)નો પુત્ર ભણતો હોવાથી સુખદેવભાઈ તેના સંપર્કમાં આવ્યા હતા. આ પછી સુખદેવભાઈએ આશિષને સત્યદેવ માટે નોકરીની વાત કરતા આશિષ કહ્યું હતું કે તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડિન તરીકે નોકરી કરે છે અને નોકરી અપાવવાની તમામ સત્તા નેતા જ હાથમાં છે એટલા માટે તે સત્યદેવને નોકરી અપાવી દેશે પરંતુ તેના માટે રૂપિયા આપવા પડશે.
આ પણ વાંચો : શા માટે સુરેશ રૈના અને શિખર ધવનની કરોડોની મિલકતો જપ્ત કરવામાં આવી? જાણો શું છે EDનો કેસ,પૂર્વ ક્રિકેટરો પર શું છે આરોપ
ત્યારબાદ સુખદેવભાઈએ સત્યદેવના તમામ ડોક્યુમેન્ટ આશિષને મોકલ્યા હતા. આ પછી આશિષ અને સત્યદેવ ગાંધક્ષનગર ખાતે આરોગ્ય સચિવાયલના પાર્કિંગમાં મળ્યા હતા અને ત્યાંથી આશિષ અને સત્યદેવ બન્ને સચિવાલયમાં ગયા બાદ અડધો કલાક સુધી આશિષ કોઈને મળવા ગયો હતો અને બાદમાં પરત આવી સત્યદેવને કહ્યું હતું કે ક્લાર્ક તરીકે તેની નોકરી નક્કી થઈ જશે પરંતુ બે લાખ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહેતા તેને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટના વાવડીમાં ગૌચરની જમીન ખાનગી હોવાનો દાવો આસિસ્ટન્ટ કલેકટરે ફગાવ્યો : આસામી 8-8 મુદત આપવા છતાં હાજર ન રહ્યા
આશિષ રાઠોડે સત્યદેવને એમ પણ કહ્યું હતું કે અન્ય કોઈને નોકરીની જરૂર હોય તો કરાવી આપશે. આ સાંભળી સત્યદેવને તેના પિતરાઈ ભાઈ પરેશ સનાતનભાઈ ઘાવરી, કેવલ જીવનભાઈ ઘાવરી, અજય દીપકભાઈ ઘાવરી, રાહુલ સંજયભાઈ ઘાવરી, અનિકેત તુલસીભાઈ ઘાવરી અને તુષાર બાબુભાઈ ચુડાસમાને વાત કરતા તેમણે પણ આશિષને 8.95 લાખ રૂપિયા આપ્યા હતા. આ તમામને વઢવાણ, ચોટીલા, રાજકોટ, જૂનાગઢ સહિતની સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આશિષે આપ્યા બાદ ગાયબ થઈ જતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
