ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી: રાજકોટમાં ચાંદીની ચમક સાથે ઓલટાઈમ હાઈ, સિલ્વરનો ભાવ 2.97 લાખને પાર
દેશમાં ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી છે. ગુરુવારે સાંજે ચાંદીના ભાવમાં એક સાથે 8 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ શુક્રવારે બજાર ખુલતાની સાથે જ ચાંદી જોરદાર ઉછળી છે અને 3 લાખની નજીક પહોંચી ગઈ હતી. ચાંદીની આ ચમક સાથે ઓલટાઈમ હાઈ સર્જાયો છે અને પ્રતિ કિલો ભાવ 2,97,000 રૂપિયા સુધી પહોંચ્યો છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (IBJA) મુજબ ચાંદી 2,83,000 રૂપિયાની સપાટીએ સ્પર્શી છે. નોંધપાત્ર વાત એ છે કે માત્ર ચાર દિવસમાં ચાંદીના ભાવમાં લગભગ 40,000 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે બીજી તરફ સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. હાલ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,42,000 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે.
દેશના અલગ-અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટની ઝવેરી બજારમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જ્યાં પ્રતિ કિલો ચાંદી 2,98,000 રૂપિયા સુધી પહોંચી હતી. જ્યારે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,46,200 રૂપિયા નોંધાયો છે.
આ પણ વાંચો :ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર: આ તારીખે બજેટ રજૂ થશે, 23 દિવસ સુધી થશે કામકાજ, મહત્વના બીલ રજૂ થશે
બુલિયન માર્કેટના નિષ્ણાતો મુજબ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, રોકાણકારોની વધતી માંગ અને ઔદ્યોગિક ઉપયોગને કારણે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વર્ષ 2025 દરમિયાન સોનાના ભાવમાં લગભગ 75 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં નોંધપાત્ર રીતે 167 ટકાનો ઉછાળો આવ્યો છે.
ચાંદીમાં આવેલી આ અદભૂત તેજીથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દાગીના ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ માટે ભાવની અસ્થિરતા ચિંતા ઊભી કરી રહી છે. આવનારા દિવસોમાં સોના-ચાંદીના ભાવ પર સૌની નજર ટકી રહી છે.
