યુધ્ધના સંકેત ? 7મેએ દેશભરમાં સાયરન વાગશે, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ : જાણો મોકડ્રીલમાં શું-શું કરવામાં આવશે ?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતની સંભવિત કડક કાર્યવાહીના સંકેતો વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ સોમવારે દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો હતો અને નાગરિક સુરક્ષા મોક ડ્રિલ કરવાનો આદેશ આપ્યો હતો. હવાઈ હુમલાના સાયરન પણ રાજ્યોએ લગાવવા પડશે. આ પ્રકારની ડ્રિલ 1971 માં પાક સાથેના યુધ્ધ પહેલા કરાઇ હતી. આ આદેશને યુધ્ધના સંકેત સમાન ગણવામાં આવે છે.
ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી 7 મેના રોજ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોક ડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત બ્લેક આઉટ એક્સરસાઈઝ પણ કરવાની છે .
ગૃહ મંત્રાલયે રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાવવા માટે પણ સૂચના આપી છે. નાગરિક સંરક્ષણ વિભાગને એવી તાલીમ આપવા માટે જણાવાયું છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે અને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ શકે.મહત્વના એકમો અને સંસ્થાઓને હુમલા વખતે કેવી રીતે બચાવવા તે માટે પણ ડ્રિલ કરવાની રહેશે. આ પ્રકારે મોક ડ્રિલ 1971 માં પાક સાથેના યુધ્ધ વખતે કરાઇ હતી.