કમલા હેરિસના કાર્યાલય પર ગોળીબાર : કોઈ જાનહાની નથી
એક માસમાં બીજીવાર આવી ઘટના બનતા ચિંતા
અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી કાર્યાલયે ફરી એકવાર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો હતો. એક મહિનામાં આ બીજી ઘટના હતી જ્યારે શહેરમાં ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવાયું હતું. ઓફિસની સામે બારીઓ પર પેલેટ ગન વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ ઘાયલ પણ થયા નહતા.
પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે રાત્રિએ બની હતી. ડેમોક્રેટિક નેશનલ કમિટીના કાર્યાલયે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં મોટા નુકસાનની વાત સામે આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ ઘાયલ કે મૃત્યુ પામ્યા નથી.
પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર સાર્જન્ટ રયાન કુકે કહ્યું કે ઘટના સમયે કાર્યાલયના પરિસરની અંદર કોઈ નહોતું પણ તાજેતરના હુમલાને કારણે એ બિલ્ડિંગમાં કામ કરનારા લોકોની સાથે સાથે આજુબાજુમાં રહેતા લોકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.
સ્થાનિક મીડિયાએ આ ઘટના બાદના ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેમાં ઓફિસના એક દરવાજા અને બે બારીઓમાં ગોળીઓના નિશાન દેખાયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે સુરક્ષામાં વધારો પણ કરી દીધો છે.
