શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
T 20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત સામે ભૂંડો પરાજય મળ્યા બાદ પાકિસ્તાનમાં પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને છે. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ પાકિસ્તાનની ટીમની અત્યંત આકરી અને કેટલાક કિસ્સાઓમાં અભદ્ર ભાષામાં ટીકા કરી હતી.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખતરે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ મહોસીન નકવી ઉપર માછલા ધોયા હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાનો એબાબર, શાબાદ ,શાહીનને ટીમમાં થી રવાના કરી દેવાનોમત વ્યક્ત કર્યો હતો. ભારત સામેના પરાજયથી પાકિસ્તાનમાં સોપો પડી ગયો હતો. મેચના પ્રારંભે પ્રથમ ઓવરમાં અભિષેક શર્મા ની વિકેટ પડતા લોકો તાનમાં આવી ગયા હતા. પણ પછી પાકિસ્તાનનો ધબડકો થતા દેશભરમાં સન્નાટો પ્રસરી ગયો હતો.સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે આના કરતાં તો બોયકોટ ચાલુ રાખ્યું હોત તો કમસેકમ આબરૂ તો બચી ગઈ હોત.
સૌથી વધારે આકરી ટીકા શોએબ અખતરે કરી
ટીવી ચેનલ પર બોલતાં તેમણે કહ્યું કે ટીમ મેચમાં ક્યાંય દેખાઈ જ નહોતી અને છેલ્લા 15-20 વર્ષથી યોગ્ય રોકાણ અને આયોજન ન થતાં હાલની સ્થિતિ ઉભી થઈ છે. અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મહોસીન નકવી પર સીધો પ્રહાર કરતાં તેમને “અયોગ્ય, અભણ અને જાહીલ” ગણાવ્યા અને એવો માણસ વડા બનશે તો ટીમ કેવી રીતે ચાલશે એવો સવાલ ઉઠાવ્યો.
આ પણ વાંચો:ગ્લોબલ હોલીડે ઇન્ડેક્સ: ભારતનું સ્થાન જાણીને ચોંકી જશો! 190 દેશોનો ઇન્ડેક્સ બહાર પડ્યો,જાણો સૌથી વધુ રજાઓ ધરાવતા દેશ વિશે
તેમણે બાબર આઝમ અંગે પણ કટુ ટિપ્પણી કરતાં કહ્યું કે આ ખેલાડીને સુપરસ્ટાર બનાવી દીધો છે, પરંતુ તે ટીમને મેચ જીતાડી શકતો નથી. આધુનિક ક્રિકેટમાં દબાણ ઝીલવાની ક્ષમતા જોઈએ અને હાલની ટીમ પાસે તે દેખાતી નથી, એમ તેમણે ઉમેર્યું.
પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીએ પણ સ્પષ્ટ કહ્યું કે હવે બદલાવનો સમય આવી ગયો છે. તેમના મતે બાબર આઝમ, શાદાબ ખાન અને શાહીન આફ્રિદી લાંબા સમયથી તક મેળવી રહ્યા છે છતાં મહત્વની મેચોમાં પરિણામ આપતા નથી.આ સંજોગોમાં ટી-૨૦ ટીમમાં નવા ખેલાડીઓને મોકો આપવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
બીજા પૂર્વ કપ્તાન જાવેદ મિયાંદાદે ટૂંકું પરંતુ કડક નિવેદન આપ્યું કે મોટી મેચોમાં ખેલાડીઓએ પાત્રતા અને હિંમત બતાવવી પડે છે, પરંતુ ટીમ તે બતાવી શકી નથી.મોહમ્મદ યુસુફે સોશિયલ મીડિયા પર લખ્યું કે હવે બાબર અને શાહીનની T 20 કરિયર પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે કમજોર ટીમો સામે જીત કરતાં મહત્વપૂર્ણ મેચ જીતે એવા ખેલાડીઓ જોઈએ. મોઇન ખાને તો સ્વીકારી લીધું કે હાલ દરેક ફોર્મેટમાં ભારત વધુ મજબૂત ટીમ બની ગયું છે.
પૂર્વ કપ્તાનો ઉવાચ
- બાબર, શાદાબ અને શાહીનને ટી-20 ટીમમાંથી બહાર કરી નવા ખેલાડીઓને તક આપવી જોઈએ -શાહિદ આફ્રિદી
- મોટી મેચોમાં ખેલાડીઓ પાત્રતા બતાવી શક્યા નથી – જાવેદ મિયાંદાદ
- બાબર અને શાહીનની ટી-૨૦ કરિયર સમાપ્ત કરવી જોઈએ, નવી ટીમ બનાવવી જરૂરી- મોહમ્મદ યુસુફ
- હાલ દરેક ફોર્મેટમાં ભારત સ્પષ્ટ રીતે વધુ મજબૂત ટીમ – મોઇન ખાન
