મોદીએ ચીફ જસ્ટિસના ઘરે ગણેશ પૂજન કરતા શિવસેનાને વાંધો પડ્યો
શિવસેનાના કેસમાંથી દૂર થઈ જવા ચીફ જસ્ટિસ ને અનુરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસ્થાને ગણેશોત્સવમાં ભાગ લેતા વિવાદ થયો છે. વિપક્ષોએ આવી ઘટનાને કારણે ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે શંકા ઉઠવાની સંભાવના દર્શાવવી હતી.
મોદી એ ચીફ જસ્ટીસ ના નિવાસ્થાને બુધવારે પૂજન કરી અને તેમની સાથે આરતીમાં ભાગ લીધો હતો. બાદમાં તેના ફોટા વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા હતા.
એ ઘટના બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આ સંબંધો શંકા પ્રેરે છે. તેમણે પૂછ્યું કે દિલ્હીમાં અનેક સ્થળે અને અનેક મહાનુભાવોને ત્યાં ગણપતિ બેસાડવામાં આવ્યા છે. તેમાંથી કેટલા લોકોના ઘરની વડાપ્રધાને મુલાકાત લીધી? તેમણે કહ્યું કે વડાપ્રધાન અને ચીફ જસ્ટિસના સંબંધો હવે ખુલ્લામાં સામે આવી ગયા છે. તેમણે શિવસેના ( ઠાકરે) અને શિવસેના ( શિંદે ) વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કાનૂની જંગ માંથી ખસી જવા ચીફ જસ્ટિસને અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝા એ કહ્યું કે ગણેશ પૂજા એ વ્યક્તિગત બાબત છે. તેમાં કેમેરા લઈને જવાની શું જરૂર હોય? તેમણે ઉમેર્યું કે આવી ઘટનાઓ ને કારણે ખોટો સંદેશો જાય છે પણ મોદી અને ચીફ જસ્ટિસ બંને મોટા માણસો છે ત્યારે આપણે શું કરી શકીએ?
ગણેશ પૂજન કરવું એ ગુનો નથી: ભાજપ
ભાજપના પ્રવકતા શહેજાદ પુનાવાલાએ વિપક્ષો ચીફ જસ્ટીસ ની વિશ્વસનીયતા પર પ્રહાર કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ગણેશ પૂજન કરવું એ ગુનો નથી.અનેક પ્રસંગોએ ન્યાયાધીશો અને રાજકારણીઓ સ્ટેજ શેર કરતા હોય છે. તેમણે 2009માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ યોજેલી ઈફ્તાર પાર્ટીમાં પણ ચીફ જસ્ટિસ કેજી બાલાકૃષ્ણ ઉપસ્થિત રહ્યા હતા એ ઘટનાની યાદ અપાવી હતી.