શિંદે જ મુખ્યમંત્રી બનશે: ફડણવિસે આપ્યો નિર્દેશ
મહારાષ્ટ્રમાં શિવસેના,ભાજપ અને એનસીપી ( અજીત પવાર )ની મહાયુતી સરકારના ભાવી મુખ્યમંત્રી પણ એકનાથ શિંદે જ હશે તેવા નિર્દેશ ભાજપના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા હતા.શરદ પવારે મહાયુતિને મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર કરવા આહવાન કર્યું હતું તેનો જવાબ આપતાં ફડણવિસે કહ્યું કે અમારે નામ જાહેર કરવાની જરૂર નથી.અમારા મુખ્યમંત્રી અહીં જ બેઠા છે. ફડણવીસ એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા અને તેમા એકનાથ શિંદે અને અજીત પવાર ઉપસ્થિત હતા. તેમણે આ વ્યુહાત્મક જવાબ મહાયુતીમાં મુખ્યમંત્રી ના નામ બાબતે કોઈ ખટરાગ ન સર્જાય તે માટે આપ્યો હોવાનું માનવામાં આવે છે.નોંધનીય છે કે આગામી ચૂંટણીમાં મહાયુતીમાં સામેલ પક્ષોમાં સૌથી વધારે ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાના છે અને એ સંજોગોમાં સૌથી મોટા પક્ષ તરીકે પરિણામ જાહેર થયા બાદ ભાજપ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી શકે છે.પણ હાલ પૂરતો ફડણવિસે કોઈનું નામ લીધા વગર શિંદે તરફ નિર્દેશ કરી વિવાદ ઊભો ન થવા દેવાની રણનીતિ અપનાવી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.