દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન : બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને હજારો શહીદોનું અપમાન થયું
- બાંગ્લાદેશની જનતા જોગ પ્રથમ સંદેશો
- બંગબાબુની સ્મૃતિમાં આજે શોક દિન મનાવવા અપીલ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં થયેલી હિંસા,અરાજકતા અને જાહેર મિલકતોના થયેલા નુકસાન બદલ જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે તોફાનોઓએ શેખ મૂજીબુર રહેમાન અને હજારો શહીદોનું અપમાન કર્યું છે. શેખ મુજીબૂર રહેમાનની 15 ઓગસ્ટ 1975 ના રોજ હત્યા થઈ હતી તે યાદ આપવી તેમણે બાંગ્લદેશના દેશના લોકોને બંગબાબુની સ્મૃતિમાં એ દિવસને શોક દિવસ તરીકે મનાવવા અપીલ કરી હતી.
દેશનિકાલ થયા બાદ ભારતમાં ગુપ્ત સ્થળે આશ્રય ઉપર રહેલા શેખ હસીનાએ પ્રથમ વખત બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી.ત્રણ પાનના તેમના નિવેદનમાં તેમણે 15 ઓગસ્ટ 1975 ના રોજ તેમના પિતા શેખ મૂજીબૂર રહેમાન અને પરિવારના 18 સભ્યોના સામુહિક હત્યાકાંડ નું વર્ણન કર્યું હતું.
તેમણે એ બાબતે ઘેરું દુઃખ વ્યક્ત કર્યું કે તેમના પિતાએ લોકોને પાકિસ્તાનના અત્યચરોમાંથી આઝાદી અપાવી,બાંગ્લાદેશનું નિર્માણ કર્યું, શહાદત વ્હોરી અને છતાં એ રાષ્ટ્રપિતાના સ્મારકોજ ધ્વસ્ત કરી દેવાયા.તોફાની તત્વોએ માત્ર શેખ મુજીબુર રહેમાનનું જ નહીં પણ બાંગ્લાદેશની આઝાદી માટે બલિદાનો આપનાર હજારો શહીદોનું પણ અપમાન કર્યું હોવાનો ખેદ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે હિંસામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો, યુવાનો,વિદ્યાર્થીઓ અને આવમી લીગના કાર્યકરોને શ્રધ્ધાંજલી અર્પી તોફાનીઓ અને હત્યારાઓ સામે કામ ચલાવવાની માંગણી કરી હતી.
હું લોકોની અદાલતમાં ન્યાય માંગુ છું: હસીના પૂરી તાકાત સાથે સક્રિય થયા
શેખ હસીના પૂરી તાકાત સાથે પુન:સક્રિય થઈ રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. તેમણે બાંગ્લાદેશની જનતા જોગ કરેલા નિવેદનમાં જણાવ્યું કે જે શેખ મુજીબૂર્ રહેમાને દેશને આઝાદી અપાવી તેનું નામ મિટાવવાની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે હું જે મકાનમાં મોટી થઈ હતી અને જે મકાનને ઐતિહાસિક મ્યુઝિયમ માં પરિવર્તિત કરવામાં આવ્યું હતું તે સ્મારક પણ આજે રાખ બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે હું લોકોની અદાલત પાસે ન્યાય માંગુ છું.