આર્મી પોસ્ટ પર હુમલો કરનાર સાત આતંકવાદીનો ખાત્મો
ભારતમાં ઘૂસીને એક લશ્કરી થાણા પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર આતંકવાદીઓ પર ત્રાટકી ભારતના સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાના ક્રિષ્ના ઘાટી વિસ્તારમાં એક સાથે સાત પાકિસ્તાની આતંકવાદીઓને પતાવી દીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ચોથી તારીખની રાત્રે ક્રોસ બોર્ડર ઓપરેશન માટેની પાકિસ્તાની સેનાની વિશેષ પાંખ ‘ બોર્ડર એક્શન ટીમ ‘ દ્વારા એલઓસી પાસે ઘુસણખોરી કરી હતી.

આતંકવાદીઓનો ઇરાદો એક લશ્કરી થાણા ઉપર હુમલો કરવાનો હતો પણ તેમાં એ સફળ થાય તે પહેલાં જ ભારતના સુરક્ષા દળોએ તેની ઉપર હુમલો કર્યો હતો.એ અથડામણમાં સાત આતંકીઓ માર્યા ગયા હતા.ભારતે ઠાર કરેલા આ આતંકવાદીઓ પૈકીના
ત્રણ પાકિસ્તાન આર્મી ના નિયમિત સૈનિક હોવાનું જાણવા મળ્યું છે. અન્ય આતંકવાદીઓ અલ-બેડ્ર જૂથના સભ્યો હતા. જમ્મુ કાશ્મીરમાં ભારતના સુરક્ષા દળોને મળેલી આ મોટી સફળતા છે.
નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હજુ ત્રણ દિવસ પહેલા જ ભારત સાથે સવાર દ્વારા કાશ્મીર સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની તત્પરતા દાખવી હતી. બીજી તરફ જૈશ એ મહંમદ અને લશ્કર એ તૌયબા એ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં બેઠક કરી કાશ્મીર ઉપર નવેસરથી આતંકવાદી હુમલા કરવાની શેખી મારી હતી. ત્યારબાદ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ દ્વારા હુમલા નો પ્રયાસ કરાયો હતો પરંતુ ભારતના બહાદુર જવાનોએ દુશ્મનોનો સફાયો બોલાવી દીધો હતો.