અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં NDAએની ઐતિહાસિક જીત થઈ છે. બિહારમાં જનાદેશ લગભગ સ્પષ્ટ છે. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તે પહેલાં જ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્ય ચૂંટણી પ્રભારી વિનોદ તાવડેએ પાર્ટીને ઐતિહાસિક જીત માટે અભિનંદન આપી દીધા છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે NDA બિહારમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ત્યારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જનાદેશને બિહારમાં સુશાસન અને વિકાસનો વિજય ગણાવ્યો. તેમણે કહ્યું કે બિહારે વિપક્ષના જુઠ્ઠાણાનો જોરદાર સામનો કર્યો છે.

પીએમ મોદીએ બિહાર ચૂંટણી પરિણામો વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. તેમણે લખ્યું, “સુશાસન જીત્યું છે. વિકાસ જીત્યો છે. જન કલ્યાણની ભાવના જીતી છે. સામાજિક ન્યાય જીત્યો છે. હું બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું જેમણે 2025 ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીત સાથે આશીર્વાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.”
“વિરોધ પક્ષના દરેક જુઠ્ઠાણાનો મજબૂતીથી જવાબ દીધો
તેમના X હેન્ડલ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું, “હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ જનતા સમક્ષ ગયા છે, અમારા વિકાસ એજન્ડા રજૂ કર્યા છે અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાનો મજબૂતીથી જવાબ દીધો. હું તેમની ખૂબ પ્રશંસા કરું છું!”
આ પણ વાંચો :NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
“બિહારના લોકોએ અમારા વિઝનના આધારે અમને પ્રચંડ બહુમતી આપી.”
બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, “એનડીએએ રાજ્યમાં સર્વાંગી વિકાસ લાવ્યો છે. લોકોએ અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનના આધારે અમને પ્રચંડ બહુમતી આપી છે. હું આ પ્રચંડ વિજય માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા એનડીએ સાથી ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
સરકારની ભાવિ યોજનાઓનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું, “આગામી વર્ષોમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું. અમે ખાતરી કરીશું કે અહીંના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે.”
