રાજીવ ગાંધી હત્યા કેસના ત્રણ દોષિતોને જુઓ ક્યાં લઇ જવામાં આવ્યા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ લઈ જવાયા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુક્ત થયા હતા
રાજીવ ગાંધીની હત્યાના કેસમાં દોષિત ઠરેલા અને બાદમાં સારી વર્તણૂક તેમજ તામિલનાડુ સરકારની ભલામણ ને આધારે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મુક્ત થયેલા છ દોષિતો પૈકીના ત્રણ શ્રીલંકા નાગરિકો મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમાર બુધવારે શ્રીલંકા જવા રવાના થયા હતા. ત્રણ પૈકીનો મુરુગન, રાજીવ ગાંધી હત્યા કેસમાં એક સમયે દેહાંત દંડની સજા પામેલ નલિની શ્રીહરનના પતિ છે. બુધવારે તેમને વિદાય દેવા માટે નલીની પણ એરપોર્ટ પહોંચી હતી.
નવેમ્બર 2022 માં જેલ મુક્ત થયા બાદ આ ત્રણેય શખ્સોને તિરુચિરાપલ્લી ખાતે વિશેષ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. શ્રીલંકા એ તાજેતરમાં જ એ તમામને પાસપોર્ટ આપતા શ્રીલંકા જવાનો તેમનો માર્ગ મોકલો થયો હતો. બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ત્રણેયને ચેન્નઈ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી કોલંબો ની ફ્લાઈટમાં બેસાડી દેવાયા હતા.
નલીની ને સોનિયા ગાંધીએ જીવત દાન આપ્યું હતું.
રાજીવ ગાંધી હત્યા કેસમાં નલીની શ્રી હરણને દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી હતી. જોકે એ સમયે નલીની ગર્ભવતી હોવાનું માલુમ થયા બાદ રાજીવ ગાંધીના વિધવા સોનિયા ગાંધીએ તેમને માફી આપી હતી. બાદમાં તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો જે હાલમાં યુકે ખાતે ડોક્ટર તરીકે સેવાઓ આપે છે. નલીની 31 વર્ષનો જેલવાસ ભોગવ્યા બાદ મુક્ત થઈ હતી.