મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતના ઘરે શું કર્યું જુઓ..
“ગાંવ ચલો” અભિયાન હેઠળ બનાસકાંઠાનાં જલોત્રા ગામે મુખ્યમંત્રીએ કર્યું રાત્રિ રોકાણ
લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન શરૂ થયું છે. જેની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવી છે. ગઈકાલે જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને તે બાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. ગામના અલગ અલગ વિસ્તારોમાં ગામના લોકો સાથે સીએમે બેઠક કરી હતી.
ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન સીએમએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને ખેડૂતો ના અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા છે. ત્યારે સીએમ સાથે વાર્તાલાપ કરવાનો લ્હાવો મેળવનાર ખેડૂતો પોતાને ખુબ જ નસીબદાર ગણાવી રહ્યા છે. અને ખેડૂતોનાં પ્રશ્નોને મુખ્યમંત્રીએ સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ જલોત્રા મુકામે રાત્રી રોકાણ કરી વહેલી સવારે બેઠક કરી હતી. ખાટલા બેઠકમાં તમામ તાલુકાનાં લોકો આવ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોએ પાણીનાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી.