અમરનાથ યાત્રા ખોરવવાનો ખૌફનાક કારસો
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં ચિંતાજનક વધારો
છેલ્લા છ મહિનામાં એક સરખી મોડસ ઓપરેન્ડી થી હુમલા
જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારની રાત્રે આર્મીના આઉટ પોસ્ટ ઉપર થયેલા હુમલાબાદ સુરક્ષા દળો સતર્ક બની ગયા છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર 2019 માં 370 મી કલમ રદ કર્યા બાદ કાશ્મીરની સામાન્ય પ્રજા મુખ્ય પ્રવાહ સાથે ભળી રહી છે ત્યારે પાકિસ્તાન તરફથી નવેસરથી આતંકવાદી હુમલાઓનો કારસો રચાયો છે. અમરનાથ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે ભય ફેલાવવાનો હેતુ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
છેલ્લા ત્રણ દિવસમાં થયેલા ત્રણેય હુમલા પાછળ પાકિસ્તાનમાંથી ઘુસેલા આતંકવાદીઓ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ચિંતાજનક વાત એ છે કે અત્યાર સુધી આતંક મુકતા હતા તેવા જમ્મુના વિસ્તારોમાં પણ આતંકવાદીઓ સક્રિય થઈ રહ્યા છે. આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ધોરીમાર્ગો ઉપર વાહનો તેમ જ લશ્કરી થાણા ઉપર હુમલા કરવાનું કાવતરું રચ્યું છે. આ અગાઉ પાંચ મેના રોજ પૂંચ જિલ્લાના સુરણકોટ વિસ્તારમાં એરફોર્સના જવાનોના કાફલા ઉપર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. એ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય પાંચને ઇજા પહોંચી હતી. મંગળવારે કઠુઆ માં પણ સશસ્ત્ર દળના વાહનો ઉપર ગોળીબાર થયો હતો. તેના આગલા દિવસે વૈષ્ણોદેવી જઈ રહેલી યાત્રાળુ બસ ઉપર હુમલો થતાં નવ યાત્રાળુ માર્યા ગયા હતા. આ બધા હુમલાઓ એક સરખી પદ્ધતિથી કરવામાં આવ્યા હતા.
કઠુઆમાં ગ્રામજનોની સતર્કતા કામ કરી ગઈ
જમ્મુ ઝોનના એડીજીપી આનંદ જૈનના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે સરહદ નજીકના સૈદા સુખા નામના ગામડામાં ઘૂસેલા આતંકવાદીઓએ ગ્રામજનો પાસે પાણી માગતા લોકો સતર્ક બની ગયા હતા.એ અંગે જાણ કરાતા સશસ્ત્ર દળો એ ગામમાં દોડી જતાં ઘેરાઈ ગયેલા આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો અને તેમાં એક નાગરિકને ઈજા થઈ હતી. એ ઍનકાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ બંને આતંકવાદી પાકિસ્તાનમાંથી ઘુસ્યા હતા પરંતુ સરહદ નજીકના આ ગામડાઓમાં હવે આતંકવાદીઓને આશરો મળતો નથી. જમ્મુ કાશ્મીરમાં લોકો શાંતિ ઝાંખી રહ્યા છે અને સ્થાનિક લોકોની સતર્કતાને કારણે આતંકવાદીઓને હવે પહેલા જેવી સફળતા મળતી નથી.
ધોરીમાર્ગો નિશાન ઉપર
રીઆસીમાં યાત્રાળુ બસ પર થયેલા હુમલામાં એક આતંકવાદી રસ્તા ઉપર ઊભો હતો અને બાકીના આતંકવાદીઓ ઊંચાઈવાળા વિસ્તારોમાં છુપાઈને બેઠા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ધોરીમાર્ગો ઉપર ઊંચાઈવાળા રસ્તાઓ કે ઢોળાવ ઉપર વાહન ધીમું પડે ત્યારે હુમલો કરવાની મોડસ ઓપરેન્ડી આતંકવાદીઓએ અપનાવી છે. આ અગાઉ ડેરા કી ગલી અને પૂંચ જિલ્લાના સહીમારહ વિસ્તારમાં પણ ધોરીમાર્ગો પર આ જ પદ્ધતિથી સેનાના કાફલા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ધોરીમાર્ગો પર વાહનોની સંખ્યા ઓછી હોય ત્યારે મોડી સાંજે હુમલા કરવામાં આવે છે. યાત્રાળુ બસ ઉપર જે સ્થળે હુમલો કરાયો તેની નજીકનું પોલીસ સ્ટેશન 15 km દૂર હતું. આતંકીઓએ એવું સ્થળ નક્કી કર્યું હતું કે હુમલો કર્યા બાદ સશસ્ત્ર દળો પહોંચે તે પહેલા તેમને ભાગી જવામાં સફળતા મળે.
અત્યાધુનિક શાસ્ત્રોનો ઉપયોગ
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને જંગલ યુદ્ધમાં વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે. આતંકીઓ આ વિસ્તારના જાણકાર છે. હુમલા કર્યા બાદ ગુફાઓમાં લાંબો સમયબસુધી સંતાઈને રહી શકે તેવું આયોજન કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આતંકવાદી હુમલાઓમાં અતિ આધુનિક શસ્ત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. કઠુઆમાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એમ 16 રાયફલ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજૌરીમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે જૂન 2020 માં ઠાર કરાયેલા ઘૂસણખોર પાસેથી પ્રથમ વખત એમ 16 રાયફલ મળી હતી. એ જ રીતે 2022 માં ઉરી સેક્ટરમાં માર્યા ગયેલા આતંકવાદી પાસે પણ ચાઈનીઝ બનાવટની m16 રાઈફલ હતી.
કાશ્મીરમાં અનેક આતંકી સંગઠનો કાર્યરત: બધાને પાકિસ્તાનનો ટેકો
કાશ્મીરમાં હાલમાં મુખ્યત્વે ધ રેસિસ્ટન્સ ફોર્સ (ટી આર એફ) અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર(કે એફ એફ) અને કાશ્મીરના ટાઈગર નામના ત્રણ આતંકવાદી સંગઠનો કાર્યરત છે. ત્રણેય સંગઠનો સ્થાનિક યુવાનોના હોવાનો દાવો થઈ રહ્યો છે પણ તેમાંથી ટીઆરએફ તો લશ્કર એ તેયબાની જ ઓળખ બદલાયેલી આવૃત્તિ છે.એ જ રીતે કાશ્મીર ટાઈગર પણ જૈશ એ મહમદની પાંખ જ છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પાંચમી ઓગસ્ટ 2019ના રોજ 370મી કલમ નાબૂદ કરવામાં આવી તે પછી તુરત જ ટીઆરએફસક્રિય બન્યું હતું. ઓક્ટોબર મહિનામાં તેના આતંકીઓએ શ્રીનગરમાં ગ્રેનેડ વડે કરેલા હુમલામાં આઠ નાગરિકો ઘવાયા હતા. જો કે ત્યારે આ સંગઠનની ખાસ નોંધ લેવાઈ નહોતી. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં શ્રી નગરના લાલચોકમાં સીઆરપીએફ ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. એપ્રિલ 2020માં કૂપવાડામાં થયેલી અથડામણમાં ભારતીય લશ્કરના પાંચ કમાન્ડો શહીદ થયા તે પછી આ સંગઠનનો પર્દાફાશ થયો હતો. એ અથડામણમાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી ત્રણ સ્થાનિક આતંકીઓ હતા.એ જ મહિનાની 18મી તારીખે સોપોર વિસ્તારમાં થયેલી બીજી એક અથડામણમાં સીઆરપીએફના ચાર જવાનો મૃત્યુ પામ્યા હતા. મે મહિનામાં કૂપવારાના હાંડવારામાં ચાર જવાનોએ શહીદી વહોરી હતી. તેમાં એક કર્નલ અને એક મેજર હતા. તે ઘટનામાં પણ આ જ સંગઠનનો હાથ હોવાનું માનવામાં આવે છે. કાશ્મીર ટાઈગર્સની સ્થાપના 2021 માં અનંત રાગના મુખથી અલ્તાફ ઉર્ફે અબુ જાર એ કરી હતી. ડિસેમ્બર 2021 માં શ્રીનગરમાં પોલીસની બસ ઉપર થયેલા હુમલમાં ત્રણ જવાનો માર્યા ગયા હતા અને 11 ઘાયલ થયા હતા. એ હુમલા ની જવાબદારી કાશ્મીર ટાઈગરે લીધી હતી.