મહિલા દિન પર SBIની બિઝનેસ કરતી મહિલાઓને ભેટ : અસ્મિતા યોજના હેઠળ ગેરંટી વિનાની લોન મળશે : ઓછા વ્યાજે લોન આપશે
દેશની સૌથી મોટી ધિરાણકર્તા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 પર શનિવારે મહિલાઓ માટે એક ખૂબ જ ખાસ યોજના શરૂ કરી હતી. નવી યોજના મહિલા ઉદ્યોગસાહસિકો માટે સમર્પિત કોલેટરલ મુક્ત ઓછા વ્યાજ દરની લોન ઓફર છે. એટલે કે કોઈ પણ ગેરંટી વિના આ લોન બિઝનેસ વધારવા માટે અપાશે .
મહિલા દિવસ 2025 ના અવસર પર, ‘એસબીઆઇ અસ્મિતા’ નામની આ યોજના શરૂ કરી હતી. આ ઉપરાંત, બેંક આ યોજના હેઠળ મહિલાઓને ઓછા વ્યાજ દરના ધિરાણ વિકલ્પો પૂરા પાડશે. મહિલાઓ બિઝનેસમાં આગળ વધી શકે તે હેતુથી આ યોજના તરતી મુકાઇ છે.
આ લોન્ચ એવા સમયે થયું છે જ્યારે ટ્રાન્સયુનિયન સીબીલએ અહેવાલ આપ્યો છે કે મહિલાઓને વ્યવસાયિક લોન લેવામાં ઓછો રસ છે. તેના બદલે તેઓ વ્યક્તિગત અથવા વપરાશના હેતુ માટે ઉધાર લેવાનું પસંદ કરે છે. રિપોર્ટ મુજબ, મહિલાઓ દ્વારા લેવામાં આવેલી લોનમાંથી માત્ર 3 ટકા લોન વ્યવસાયિક હેતુ માટે હતી, જેમાંથી 42 ટકા લોન વ્યક્તિગત લોન, ગ્રાહક ટકાઉ લોન, ઘર માલિકી જેવા વ્યક્તિગત નાણાકીય ઉત્પાદનો માટે હતી અને 38 ટકા સોના સામે લેવામાં આવી હતી.
એસબીઆઇના અધ્યક્ષ સીએસ સેટ્ટીએ જણાવ્યું હતું કે નવી યોજના ડિજિટલ અને સ્વ-પ્રારંભિક પ્રક્રિયા દ્વારા મહિલાઓના નેતૃત્વ હેઠળના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ એકમોને ઝડપી અને સરળ ધિરાણ પૂરું પાડશે. બેંકના એમડી વિનય ટોંસેએ આ યોજનાને ટેકનોલોજીકલ નવીનતા અને સામાજિક ઇજનેરીનું મિશ્રણ ગણાવ્યું છે.