યોગીના ‘કટેંગે તો બટેંગે’ના નિવેદનને સંઘનું સમર્થન : કહ્યું, એકતા જરૂરી છે
આર.એસ.એસ.નાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેનું નિવેદન : દેશમાં હિન્દુઓને તોડવાનુ કામ થઇ રહ્યુ છે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કટેંગે તો બટેંગેવાળા નિવેદનને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે સમર્થન આપ્યું છે. સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યુ છે કે, આજે દેશમાં હિન્દુઓને તોડવાનુ કામ થઇ રહ્યુ છે ત્યારે એકતા લાવવી જરૂરી છે. મથુરા ખાતે મળેલી સંઘની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં દત્તાત્રેય હોસબોલેએ કહ્યું હતુ કે, દેશમાં કેટલીક શક્તિઓ હિન્દુઓને તોડવાનુ કામ કરી રહી છે અને તેની સામે સાવધ રહેવુ જરૂરી છે.
મથુરાના પરખમમાં આવેલા દીનદયાળ ગૌ વિજ્ઞાન રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ સેન્ટર ખાતે મળેલી સંઘની આ રાષ્ટ્રીય કારોબારીમાં સંઘનાં વડા મોહન ભાગવત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દત્તાત્રેય હોસબોલેએ કહ્યું હતું કે, સંઘ કટેંગે તો બટેંગેવાળા નિવેદનને સમર્થન આપે છે કારણ કે તેનો અર્થ એકતા લાવવી એવો થાય છે અને આજના સમયમાં હિન્દુ એકતા જરુરી છે. દેશમાં કેટલીક શક્તિઓ હિન્દુઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને દરેકે આ પ્રવૃત્તિ સામે સતર્ક રહેવું જરુરી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, લવ જેહાદ જેવા કાર્યોથી સમાજને સમસ્યા થઇ રહી છે અને તેવા સંજોગોમાં હિન્દુ એકતા લોક કલ્યાણ માટે જરૂરી છે.
સંઘની આ કારોબારીમાં રતન ટાટા, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, સીતારામ યેચુરી, કે.નટવરસિંઘ, સુશીલ મોદી, એડમીરલ કે.રામદાસ અને રામોજી રાવ વગેરેને શ્રધ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.