સચેત-પરંપરાના ગીત ‘સુપરહિટ’,રાજકોટ મહાપાલિકાનું આયોજન ‘સુપરફ્લોપ’: ક્ષમતા કરતા વધુ લોકો એકઠા થયા’ને ભારે અફડાતફડી
રાજકોટ મહાપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠ નિમિત્તે બોલિવૂડ ગીતકાર જોડી સચેત-પરંપરા ટંડનની મ્યુઝિકલ નાઈટનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું. અપેક્ષા પ્રમાણે જ આ જોડીનો ક્રેઝ ખાસ કરીને ઝેન-જી મતલબ કે યુવાવર્ગમાં ખાસ્સો હોય અંદાજે 40 હજારથી વધુ લોકો તેમને સાંભળવા માટે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. જો કે દર વખતની જેમ આ વખતે પણ મહાપાલિકાના આયોજનમાં લોટ, પાણી’ને લાકડા જ થઈ ગયા હોય ભારે અફડાતફડી જોવા મળી હતી.

એકંદરે સચેત અને પરંપરાએ એક-એકથી ચડિયાતા ગીત ગાઈ ચાહકોને મંત્રમુગ્ધ કરી દેતાં કાર્યક્રમ સુપરહિટ નિવડ્યો હતો પરંતુ મહાપાલિકાનું આયોજન `સુપરફ્લોપ’ હોવાનું સ્થળ પર હાજર લોકોના મુખેથી સાંભળવા મળ્યું હતું. આવું થવા પાછળનું કારણ માત્રને માત્ર એક જ હતું અને એ છે શાસકો દ્વારા પોતાના લાગતાં-વળગતાંઓને પાસના થપ્પા વહેંચી દેવા…! જો કે આટલી ભીડ હોવા છતાં લોકોએ દરેક ગીત સાંભળ્યા હતા.

આ જોડીએ રામ સિયા રામ, હર હર શંભુ સહિતના ધાર્મિક આલ્બમ ગાઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા સાથે સાથે બેખયાલી, રાંઝણ સહિતના રોમાન્ટીક ગીતે લોકોને અલગ જ ઘેલું પણ લગાડ્યું હતું. એક તબક્કે લોકો ગીત સાંભળવા માટે સ્ટેજ સુધી ધસી જતા કાર્યક્રમ પંદરેક મિનિટ માટે અટકાવી દેવો પડ્યો હતો સાથે સાથે પદાધિકારીઓએ સ્ટેજ ઉપર ચડીને લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરી હતી. બીજી બાજુ ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા લોકોને દૂર ખસેડવા માટે થોડો બળપ્રયોગ પણ કરવો પડ્યાનું ધ્યાન પર આવ્યું હતું.

એક બાદ એક ભાષણથી લોકો કંટાળ્યા, મોડે સુધી ચાલી ગીતની રમઝટ
સચેત-પરંપરા સ્ટેજ ઉપર આવ્યા તે પહેલાં મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા ભાષણ કરવામાં આવ્યું હતું જેનાથી ઉપસ્થિત લોકો રીતસરના કંટાળી ગયેલા જોવા મળ્યા હતા. આ પછી મેયર એવોર્ડ, દિવાળી પર ઉમદા રંગોળી દોરનાર વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરવા સહિતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાયક જોડી અને તેમની ટીમ સ્ટેજ ઉપર આવી હતી. એકંદરે રાત્રે 12 વાગ્યા સુધી ગીતની રમઝટ ચાલી હતી.


