ડોલર સામે રૂપિયો વધુને વધુ નબળો સાબિત થઇ રહ્યો છે. શુક્રવારે રૂપિયો ઘટાડા તરફી ખૂલ્યા બાદ વધુ 11 પૈસા તૂટી 85.97ના રેકોર્ડ તળિયે પહોંચી ગયો હતો. જે આગલા દિવસે 85.86 પર બંધ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો ઈન્ટ્રા ડે 85.8638થી 85.9750ની રેન્જમાં ટ્રેડ થયો હતો.
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી તેમજ ક્રૂડ ઓઈલના ભાવો વધતાં આયાતકારો તરફથી ડોલરની માગ વધી છે.ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડોલર સામે છેલ્લા 15 દિવસથી સતત નબળો પડી રહ્યો છે. દેશનો જીડીપી ગ્રોથ નબળો રહેવાની શક્યતા તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ નબળા રહેવાની અપેક્ષા સાથે સેન્ટિમેન્ટ ખરડાયું છે.
ડોલર સામે રૂપિયો નબળો પડતાં આયાતો મોંઘી થશે. ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિની સાથે રૂપિયો પણ ગગડ્યો છે. પરિણામે 80 ટકા આયાત પર નિર્ભર ભારત માટે ક્રૂડની ખરીદી મોંઘી બનશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. આ સિવાય, સેમી કંડક્ટર ચીપ્સની આયાત પણ મોંઘી થતાં ઈલેક્ટ્રોનિક્સ સાધનોની કિંમત વધશે.