મુસ્લિમોને આર એસ એસની અપીલ, વાંચો શું કહ્યું
22 મી તારીખે રામ મંત્રનો જાપ કરવા દરગાહો, મસ્જિદો અને મદ્રેસાઓમાં 11 વખત શ્રી રામ જય રામ જય જય રામ બોલવા અનુરોધ
આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ અવસરે મસ્જિદો, દરગાહો અને મદરેસાઓમાં “શ્રી રામ, જય રામ, જય જય રામ” ના જાપ કરવાની અપીલ કરી હતી.
તેમણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ ધર્મ અથવા અન્ય કોઈ પણ ધર્મનું પાલન કરતા લોકોને શાંતિ, સંવાદિતા અને ભાઈચારા માટે પોત પોતાના ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરીને અયોધ્યાના અભિષેક સમારોહમાં જોડાવા અપીલ કરી હતી.
દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 99 ટકા મુસ્લિમો અને અન્ય બિન-હિંદુઓ આ દેશના જ છે અને તેઓ એમ જ રહેશે કારણ કે આપણા પૂર્વજો એક જ છે. તેઓએ પોતાનો ધર્મ બદલ્યો છે, દેશ નહીં. તેમણે મુસ્લિમોને દરગાહ,મસ્જિદ અને મદ્રેસાઓમાં 11 વખત શ્રી રામ જય રામ જય જય રામ બોલવા અને ત્યારબાદ પોતાની પૂજા વિધિને અનુસરવા વિનંતી કરી હતી.
ધર્મસ્થાનકોને શણગારવા અપીલ
આરએસએસ સાથે સંલગ્ન સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના મુખ્ય વડા ઇન્દ્રેશ કુમારે ગુરુદ્વારાઓ અને ચર્ચ સહિત તમામ ધર્મસ્થાનકોને 22મી જાન્યુઆરીએ ભવ્ય રીતે શણગારવા, તેના પ્રાર્થના ખંડોમાં બેસી 11થી 2 વાગ્યા સુધી ટીવી ઉપર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નિહાળવા તથા ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા માટે પ્રાર્થના કરવાની અને સાંજે દીવડાં પ્રગટાવવા વિનંતી કરી હતી.