રોહિત શર્મા-કોહલી-જાડેજા રમશે છેલ્લી ICC ટૂર્નામેન્ટ : ચેમ્પિયન્સ ટ્રોફી જ આ ત્રણેયની છેલ્લી ટૂર્નામેન્ટ બની રહેશે
ભારતના પૂર્વ ટેસ્ટ ઓપનર આકાશ ચોપડાએ એવો દાવો કર્યો છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટ હોઈ શકે છે. આ ત્રણેયે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને આગામી વન-ડે વર્લ્ડકપ હજુ દુર હોવાથી છેલ્લી વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં રમતાં જોવા મળી શકે છે.
આકાશ ચોપડાએ કહ્યું કે હું ભારે મનથી કહી રહ્યો છું કે આ ત્રણેય દિગ્ગજો છેલ્લી વખત આઈસીસીની ટૂર્નામેન્ટમાં રમશે. આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો છે પરંતુ ફાઈનલમાં આપણે પહોંચ્યો નથી. ત્યારબાદ આવતાં વર્ષે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ છે પરંતુ ત્રણેયે એ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે એટલા માટે ત્યાં પણ આ ત્રણેય રમવાના નથી. વન-ડે વર્લ્ડકપ ૨૦૨૭માં છે જે હજુ દુર છે. ૨૦૨૭ સુધીમાં દુનિયા ઘણી અલગ જોવા મળવાની છે. આ ખેલાડીઓને પણ લાગે છે કે હવે આ તેમની અંતિમ આઈસીસી ટૂર્નામેન્ટ હોઈ શકે છે.
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થઈ
ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઇ રવાના થઇ છે.ભારત પોતાની તમામ મેચ દુબઇમાં રમશે જ્યારે બાકી મેચ પાકિસ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થઇ રહી છે. ભારતીય ટીમની પહેલી ટુકડી દુબઈ જવા માટે રવાના થઈ છે. આ ટુકડીમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત કોચ ગૌતમ ગંભીર, સ્ટાર બેટર વિરાટ કોહલી સહિતના સામેલ હતા. જો કે રોહિત મુંબઈ એરપોર્ટ ઉપર પોતાની વ્યક્તિગત કાર લઈને પહોંચ્યો હોવાથી સવાલો પણ ઉપસ્થિત થવા લાગ્યા હતા.
સમાચાર એજન્સી ANI એ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય ખેલાડીઓની સાથે હેડ કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ જોવા મળે છે. વિરાટ કોહલી, મોહમ્મદ શમી, શુભમન ગિલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને સહાયક કોચ રાયન ટેન ડોશેટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

તમામ ખેલાડીઓ એરપોર્ટ પર સ્પોટ થયા
ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ એરપોર્ટ પર ટીમ સાથે જોવા મળ્યા હતા, જ્યારે રોહિત શર્મા બીજા એક વીડિયોમાં ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ટીમ સાથે હાજર હતો. ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો બેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે દુબઈ જવા રવાના થઈ ગયો છે.

ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), કે.એલ.રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.